MRC કમિટી બેઠક : ચકમપર અને જેતપર ગામના અનેક ખેડૂતોએ વાંધા-સૂચનો રજૂ કર્યા

વાંધાના લેટર પર માત્ર સહી કરાતી હોવાથી બોલાચાલી થઈ, તંત્રએ ઇનવર્ડ સિક્કાની વ્યવસ્થા કરતા મામલો શાંત પડ્યો

મોરબી : મોરબી કલેકટર કચેરી ખાતે MRC કમિટીની બેઠકને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોને તબક્કાવાર બોલાવવામાં આવી રહ્યા છે. બેઠક અંતર્ગત આજે સવારે ખેડૂતોને સાંભળવાની તેમજ તેમના વાંધા-સૂચનો અને રજૂઆતો સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ચકમપર અને જેતપર ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને પોતાના વાંધા-સૂચનો રજૂ કરવા માટે જણાવવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાના વાંધા-સૂચનો રજૂ કર્યા હતા.

દરમિયાન ખેડૂતો જ્યારે પોતાના વાંધા-સૂચનોના લેટર ટેબલ પર જમા કરાવવા પહોંચ્યા ત્યારે શરૂઆતમાં અધિકારીઓ દ્વારા લેટર પર માત્ર સહી કરી આપવામાં આવતી હતી. ખેડૂતો દ્વારા તેમના વાંધા-સૂચનો ઇનવર્ડ કરી તેની પહોંચ આપવા માંગ કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં ઇનવર્ડનો સિક્કો ઉપલબ્ધ ન હોવાથી ‘માત્ર સહી ચાલશે’ તેમ જણાવવામાં આવતા થોડા સમય માટે ખેડૂતો અને તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.

જોકે, ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઇનવર્ડના સિક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધા-સૂચનો અને રજૂઆતો પર ઇનવર્ડ સિક્કો મારી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે મામલો શાંત પડ્યો હતો અને હાલ વાંધા-સૂચનો સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે.

MRC કમિટી બેઠકને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થતા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ પર 100 જેટલા પોલીસ સ્ટાફ, ઉપરાંત DySP, PI, બી ડિવિઝન, LCB, SOG PI તેમજ અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

હાલ તબક્કાવાર ખેડૂતોને બોલાવી તેમની રજૂઆતો અને વાંધા-સૂચનો સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on