Placeholder canvas

રાજકોટ:બોલેરો રિવર્સમાં લેતા 2 વર્ષની બાળકીને કચડી નાખી : આઇસરે બાઇકને ઠોકર મારતા યુવકનું મોત.

રાજકોટઃ મવડી, જીવરાજપાર્ક રોડ પર બનેલા બનાવ બે વર્ષની માસૂમ બાળકી અને યુવાનનો ભોગ લેવાયો છે. અકસ્માતનો પ્રથમ બનાવ મવડી વિસ્તારના જીવરાજપાર્ક રોડ, અંબિકા ટાઉનશિપ નજીક બન્યો હતો. જેમાં ગુરુવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં બોલેરો ચાલકે પાછળ જોયા વગર રિવર્સમાં વાહન ચલાવી બે વર્ષની પ્રિયાંશીને કચડી નાખી છે. અકસ્માત સર્જી બોલેરો વાહન રેઢું મૂકી ચાલક નાસી ગયો છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં જીવરાજપાર્ક રોડ પર સિદ્ધિ સ્પેસ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા નગરસીંગ કલમસીંગ ખરાડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આજે સવારે પોતે કામ કરી રહ્યાં હતા. જ્યારે બે પુત્રી પૈકી બે વર્ષની પ્રિયાંશી સાઇટ નજીક અન્ય શ્રમિકના બાળકો સાથે રમતી હતી. તે સમયે બોલેરોના ચાલકે વાહન રિવર્સ લેતી વખતે કચડી ભાગી ગયો હતો.

બનાવ સમયે દેકારો મચી જતા પોતે તુરંત ત્યાં દોડી જઇ પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ગંભીર ઇજા થવાની પ્રિયાંશીએ દમ તોડી દીધાનું તબીબે જાહેર કર્યું હતું. તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય એક બનાવમાં કોઠારિયા રોડ, ખોખડદળ પુલ પાસે પૂરઝડપે ધસી આવેલા આઇસરે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. જેને કારણે સરધારના હરિપર ગામનો હર્ષિદ કિશોરભાઇ કાકડિયા નામનો યુવાન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયો હતો અને ગંભીર ઇજા થવાથી તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક આઇસર સાથે ભાગી ગયો હતો. માતા-પિતાના એકના એક પુત્ર હર્ષિદ વાંકાનેર ખાતે એગ્રિકલ્ચર ઇરિગેશન નામની પ્રાઇવેટ પેઢીમાં નોકરી કરતો હતો. સવારે નોકરીએ જવા બાઇક પર જતો હતો ત્યારે અકસ્માત નડ્યાનું જાણવા મળ્યું છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો