મોરબી

મોરબીનો ઐતિહાસિક ‘પાડાપુલ’ રિપેરિંગ માટે ૪૫ દિવસ સદંતર બંધ: જાણો વૈકલ્પિક રૂટ…

દોઢ કરોડના ખર્ચે બેરિંગ અને જોઈન્ટ બદલવાની કામગીરી; શહેરના ટ્રાફિકને ડાયવર્ટ કરવા કલેક્ટરનું જાહેરનામું અમલી

મોરબી શહેરને સામાકાંઠા સાથે જોડતો મચ્છુ નદી પરનો ૧૪૨ વર્ષ જૂનો ‘પાડાપુલ’ સમારકામ માટે આજથી આગામી ૪૫ દિવસ સુધી વાહનોની અવરજવર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે વિવિધ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દોઢ કરોડનું રિપેરિંગ કામ
રજવાડાના સમયના આ પુલના બેરિંગ અને જોઈન્ટ બદલવાની તેમજ માસ્ટિક આસફાલ્ટની કામગીરી માટે અંદાજે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલના ૧૯ ગાળા પૈકી નાટરાજ ફાટક તરફના ૯ ગાળાનું રિપેરિંગ કરવામાં આવશે, જેમાં ૫૪ બેરિંગ અને ૧૦ જોઈન્ટ બદલવાની કામગીરી હાથ ધરાશે.
ડાયવર્ટ કરાયેલો ટ્રાફિક અને વૈકલ્પિક રૂટ

પાડાપુલ બંધ થતાં ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે નીચે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
શહેરમાં આવવા માટે: વાહનચાલકો બેઠાપુલનો ઉપયોગ કરી શકશે.
સામાકાંઠા તરફ જવા માટે: વાહનચાલકો મયુરપુલનો ઉપયોગ કરી શકશે.
એસ.ટી. બસ માટે: રાજકોટ કે અમદાવાદ તરફથી આવતી-જતી બસો નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને રવિરાજ ચોકડી થઈને અવરજવર કરશે.

પોલીસનો સઘન બંદોબસ્ત
વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિક નિયમન માટે સવારથી જ પોલીસ વિભાગ દ્વારા વિવિધ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દોઢ મહિના સુધી પાડાપુલ બંધ રહેતા શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતાઓને પગલે પોલીસે ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો