મોરબી

મોરબીમાં એસઓજીની ધોંસ: વજેપરના મકાનમાંથી લાખોનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, એકની ધરપકડ


સાયન્ટિફિક રોડ પરથી અંદાજે ₹1.45 લાખનો મુદ્દામાલ જપ્ત: નશાના કાળા કારોબારમાં માલ સપ્લાય કરનાર રાજકોટના શખ્સની શોધખોળ શરૂ

મોરબી: મોરબી શહેરમાં નશાના વધતા જતા દૂષણ સામે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે લાલઆંખ કરી છે. સાયન્ટિફિક રોડ પર આવેલ વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાં નશીલા પદાર્થનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડીને એક શખ્સને કરોડોની કિંમતના નશાના સામાન સાથે રંગેહાથ ઝડપી લીધો છે.

રહેણાંક મકાનમાંથી મળ્યો હાઈબ્રીડ ગાંજો
મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વજેપર શેરી નંબર 23માં રહેતા દાઉદભાઈ કુરેશીના મકાનમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મકાનમાં રેડ પાડતા ત્યાંથી 1 કિલો 992 ગ્રામ સામાન્ય ગાંજો (કિંમત ₹99,600) અને અત્યંત મોંઘો ગણાતો 11 ગ્રામ 37 મિલિગ્રામ હાઇબ્રીડ ગાંજો (કિંમત ₹38,629) મળી આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થ, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રીક વજન કાંટો મળીને કુલ ₹1,45,549નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટના કનેક્શનની તપાસ શરૂ
આ ગુનામાં પોલીસે દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી (ઉં.વ. 27, રહે. મોરબી) નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ નશાનો જથ્થો તેણે રાજકોટના ગામીત નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો સામે ગુનો નોંધીને, માલ આપનારા રાજકોટના મુખ્ય સપ્લાયરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો