મોરબી તાલુકા પોલીસની મોટી સફળતા: બે કારખાનામાં થયેલ કોપર વાયરની ‘અનડીટેક્ટ’ ચોરીનો ભેદ ઉકેલાયો
સર્વેલન્સ ટીમનો સપાટો: મુદ્દામાલ સાથે ચાર તસ્કરોને દબોચ્યા, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી નેટવર્ક ઝડપાયું
મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીના જેતપર રોડ પર આવેલા બે અલગ-અલગ કારખાનાઓમાં થયેલી કોપર વાયરની ચોરીના વણશોધાયેલા ગુનાઓ ઉકેલવામાં મોરબી તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની સર્વેલન્સ ટીમે આધુનિક ટેકનોલોજી અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસની વિગત: કેવી રીતે ઝડપાયા આરોપીઓ?
તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર વાયર ચોરીના બે ગુનાઓ લાંબા સમયથી વણશોધાયેલ હતા. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ તાલુકા પોલીસની સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માધ્યમો દ્વારા તપાસ કરતા ચોરીમાં સંડોવાયેલા શખ્સો જેતપર રોડ પર આવેલા સનટોન સીરામીક સામે ‘શ્રી કેરમાતા સ્ક્રેપ’ના ડેલા પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
ઝડપાયેલા આરોપીઓની યાદી
પોલીસે સ્થળ પર દરોડો પાડી નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી છે:
એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ (રહે. પાડા પુલ નીચે, મોરબી-02)
દિપકભાઇ ઉર્ફે આયુસ મંગીલાલ દેવડા (મૂળ રહે. મધ્યપ્રદેશ)
કિશનગીરી કૈલાશગીરી ગૌસ્વામી (રહે. સબ જેલ પાછળ, મોરબી-01)
ધરમચંદ લાદુલાલ ગુર્જર (મૂળ રહે. રાજસ્થાન)
આ ઉપરાંત, તપાસ દરમિયાન બીકરામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલી કૈલાસભાઈ આંબલીયા નામના અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
મુદ્દામાલની રિકવરી
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કોપર વાયરનો જથ્થો રિકવર કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં અન્ય ચોરીના ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા જોવા મળી રહી છે. હાલ તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

