મોરબી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ઇમેઇલ દ્રારા ધમકી : બૉમ્બ સ્ક્વોડનું ચેકિંગ પૂર્ણ, કંઈ જ વાંધાજનક ન મળ્યુ…
મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જોકે બોમ્બ સ્કોડની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.
પટેલ માહિતી મુજબ મોરબી પોસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ઇમેઇમાં ધમકી મળી છે. 1:10 વાગ્યે બૉમ્બ ફૂટશે તેવો મેઈલ મળ્યો હતો. 12 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને BDS (બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એ ડિવિઝન અને એસઓજીના 6 પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસ જવાનોનો કાફલો તુરંત પોસ્ટ ઓફિસે ખડકાઈ ગયો હતો. ગ્રાહકોને અને કર્મચારીઓને સલામતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ટીમ પણ 12:30 વાગ્યા આસપાસ પહોંચી હતી. જો કે BDSની ટીમ છેક 1:30 વાગ્યા આસપાસ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા આખી પોસ્ટ ઓફિસ કચેરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આખરે સુરક્ષાની ખાતરી થતાં પોલીસે પોસ્ટ ઓફિસના સ્ટાફને અંદર જવાની પરવાનગી આપી હતી અને પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી.

