મોરબી પોલીસની નાક નીચે જ દારૂની રેલમછેલ: તંત્ર ઊંઘતું રહ્યું ને જનતાએ પાડી ‘રેડ’
B-ડિવિઝન પોલીસ મથકથી માત્ર 200 મીટર દૂર ચાલતા દારૂના અડ્ડા પર રહીશો ત્રાટક્યા, રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રોષ
મોરબી: મોરબીના સામાકાંઠે પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. સર્કિટ હાઉસ સામે આવેલા ખંઢેર મકાનમાં ચાલતા દેશી દારૂના વેચાણ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે કોઈ પગલાં ન ભરતા, આખરે વિદ્યુતનગર અને હરિ પાર્ક સોસાયટીના રહીશોએ કાયદો હાથમાં લીધો હતો અને જાતે જ ‘જનતા રેડ’ પાડી દારૂનો અડ્ડો ખુલ્લો પાડ્યો હતો.

પોલીસ સ્ટેશન નજીક જ ‘મધુશાલા’, રહીશો પરેશાન
નજીક જ બી-ડિવિઝન પોલીસ મથક આવેલું હોવા છતાં, સર્કિટ હાઉસ સામેના રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હતું. અહીં નશાખોરો જાહેર રસ્તા પર જ ઝૂમતા નજરે પડતા હતા, જેના કારણે સોસાયટીમાં રહેતી મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ મામલે 8 તારીખે લેખિતમાં ફરિયાદ કરવા છતાં 5 દિવસ સુધી પોલીસે કોઈ દરકાર લીધી ન હતી.
ખંઢેર મકાનમાંથી મળી આવ્યો દારૂનો જથ્થો
સ્થાનિકોએ આજે એકઠા થઈને જ્યારે ખંઢેર મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. જનતા રેડના સમાચાર વાયુવેગે ફેલાતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસ સ્ટેશનથી માત્ર 100 થી 200 મીટરના અંતરે જ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિકોએ ભારે ફિટકાર વરસાવ્યો છે.
પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો
શું પોલીસને ઘરઆંગણે ચાલતા અડ્ડાની ખબર ન હતી?
લેખિત રજૂઆત બાદ પણ 5 દિવસ સુધી કાર્યવાહી કેમ ન થઈ?
શું સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ મીલીભગત છે?

