Placeholder canvas

મોરબીની પાવડીયારી કેનાલ નજીક મુરઘીના થડા બાબતે મારામારી…

મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસે માર્કેટમાં મુરઘીના થડા બાબતે બોલાચાલી થતા યુવક પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મોરબીના વિશીપરા કુલીનગરમાં રહેતા તૈયબભાઇ ગુલમામદભાઇ માણેકે આરોપી નિજામભાઇ ફતેમામદભાઇ મોવર, હાજીભાઇ ફતેમામદભાઇ મોવર, ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર, મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધ આવી છે કે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેઓ માર્કેટમાં પોતાની મુરઘીનો થડો છે ત્યાં બેસીને વેપાર કરતા હતા. આ સમયે તેની બાજુના મુરઘીના થડાવાળા નિઝામ મોવરે આવીને તૈયબભાઈને કહ્યું હતું કે,’તારી બાજુમાં મારા કાકા ને મુરઘીનો થડો નાખવો છે’ તેમ કહીને અપશબ્દો કહ્યા હતા. જેથી તૈયબભાઈએ અપશબ્દો ન આપવા તેમજ ‘મુરઘીનો થોડો નહિ નાખવા દઉં’ તેમ કહ્યું હતું.

જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એ સમયે અન્ય આરોપી હાજી ત્યાં આવી ગયો હતો અને તેણે પણ અપશબ્દો કહ્યા હતા એટલું જ નહીં તેમના મરઘીના થડામાંથી ધારિયું લઈને તૈયબભાઈ પર હુમલો કરતા તેમના ડાબા હાથની ટચલી આંગળી અને તેની બાજુની આંગળીમાં વચ્ચેથી લોહી નીકળવા લાગ્યું હતું. એ સમયે અન્ય બંને આરોપી ફારૂક અને મહમદસીદીક પણ આવી ગયા હતા અને તેણે તૈયબભાઈને પાછળથી પકડી રાખ્યા હતા અને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.

એ સમયે હાજી અને નીજામે ધારિયું લઈને મારવા જતા તૈયબભાઈએ ત્યાં પડેલ લાકડાનો ધોકો વચ્ચે નાખતા ઈજા થઈ ન હતી અને તેઓ બચી ગયા હતા પરંતુ આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને એ સમયે તૈયબભાઈના કાકાનો દીકરો અને ફઈનો દીકરો આવી જતા તેઓ બચી ગયા હતા.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો