મોરબી: યુવક સાથે લગ્ન કરી છેતરપીંડી કરનાર લૂંટેરી દુલ્હન સહિત બેની ધરપકડ કરતી પોલીસ.
મોરબી : મહેસાણામાં ઝડપાયેલી એક લૂંટેરી દુલ્હનની પૂછપરછમાં તેને રાજયના વિવિધ શહેરોમાં 15થી વધુ પુરુષો સાથે લગ્ન કરી તેઓને ઠગ્યા હોવાનું સામે આવ્યું હતું. તેને મોરબીના એક યુવક સાથે લગ્ન કરી તેની પાસેથી પણ પૈસા પડાવીને છેતરપીંડી આચરી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેને પગલે મોરબી પોલીસે લુટેરી દુલ્હન સહિત બે આરોપીઓનો કબજો મેળવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલ માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરા ઉ.વ.55એ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાજુભાઈ જીવરામભાઈ ઠક્કર અને ચાંદની રમેશભાઈ ઠાકોર રહે બન્ને. અમદાવાદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિકરા રાહુલ સાથે રાજુભાઈ ઠકકરે ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- લીધા હતા. ચાંદની ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ થયેલ હોવાનુ બહાનુ કરી પાછી આવી જ ન હતી. બાદમાં તેને અન્ય જગ્યાએ પણ લગ્ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ યુવતીએ દિયોદર તાલુકાના લુન્દ્રા, ઇડર તાલુકાના અરોડા, સમી તાલુકાના દુદખા, બાવળા, રાજકોટ, અમદાવાદ, ઇડર તાલુકાના રામપુર, વેરાવળ, કપડવંજ તાલુકાના તેરનાલ, બહુચરાજી તાલુકાના આદીવાડા, પાટણ, મોરબી, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં પુરુષો સાથે લગ્ન કરી તેને ઠગ્યાનું બહાર આવ્યું હતું. આ બન્ને આરોપીઓનો કબજો બહુચરાજી પોલીસ પાસે હોય, મોરબી પોલીસે કબજો મેળવી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા જેલહવાલે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

