મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરી સામે ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ યથાવત…
મોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ આજે સતત 4થા દિવસે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો દ્વારા સતત મનાઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો હોવા છતાં કંપનીના લોકો દ્વારા કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ગઈકાલે પણ કંપની દ્વારા કામગીરી શરૂ કરવા આવતા લોકોએ કામગીરી અટકાવી હતી. ત્યારબાદ આજે ફરીથી દેવળિયા જવાના રસ્તે કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા છે. આ ઉપરાંત આજુબાજુના ગામના લોકો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે. ખેડૂતોના આ વિરોધમાં સાથ આપવા માટે ખેડૂત હિતરક્ષક સમિતિના પાલભાઈ આંબલિયા અને મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો પણ ત્યાં પહોંચી ગયા છે. હાલમાં આ તમામ લોકોએ એકઠા થઈને કંપનીની કામગીરી બંધ કરાવવા માટે મોરચો સંભાળ્યો છે.



