મોરબી: સૌરાષ્ટ્રભરમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં લાગી આગ…
મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર GIDCમાં ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ભાડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખા શેડમાં આગ પ્રસરી ગઈ છે અને આગને વધુ ઝડપથી કાબૂમાં લેવા માટે ગોડાઉનના ઉપરના પતરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. આગ ગોડાઉનની નજીક આવેલી ઓફિસમાં પ્રસરે તે પહેલાં જ સાવચેતીના ભાગરૂપે ઓફિસના રૂમમાંથી તમામ સામાન સુરક્ષિત રીતે બહાર ખસેડી લેવામાં આવ્યો હતો.
આ ગોડાઉનમાં નાફેડ દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. 1 ગુણીમાં 35 કિલો મગફળી લેખે કુલ 1.59 લાખ ગુણી (આશરે 55,65,000 કિલો) મગફળી અહીં રાખવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ બળી ગયેલી મગફળીની કિંમત કરોડો રૂપિયામાં છે.
ગોડાઉનમાં જીવાત ન થાય તે માટે ફ્યુમિગેશનની (દવા છાંટવાની) પ્રક્રિયા કરવામાં આવી હતી, જેના કારણે છેલ્લા 9 દિવસથી ગોડાઉનના દરવાજા સીલ કરીને તેને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. મેનેજરના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો અને CCTV કેમેરા ઉપલબ્ધ હતા. બંધ ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા માટે હવે CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
વધુમાં મોરબી ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકીના જણાવ્યા અનુસાર અહીં ફાયરના બાટલા જ હતા. તે સિવાય ફાયરની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી.


