મોરબી માર્કેટ યાર્ડમાં ભાજપને મોટો ઝટકો : ખેડૂત વિભાગની 10માંથી 7 બેઠકો કોંગ્રેસના ટેકાવાળી ખેડૂત પરિવર્તન પેનલના ફાળે

સહકાર પેનલને માત્ર 3 બેઠકથી સંતોષ : 1507માંથી 1148 ખેડૂતોએ મતદાન કર્યું, અનેક બેઠકો પર પાતળી માર્જિનથી હાર-જીત

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકોના જાહેર થયેલા પરિણામમાં ભાજપ તરફથી રહેલી સહકાર પેનલને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ટેકાથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી ખેડૂત પરિવર્તન પેનલે 10માંથી 7 બેઠકો પર વિજય મેળવી યાર્ડના ખેડૂત વિભાગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. જ્યારે ભાજપ તરફથી રહેલી સહકાર પેનલને માત્ર 3 બેઠકો મળી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગમાં કુલ 1507 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 1148 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારે મતદાન બાદ જાહેર થયેલા પરિણામોમાં ખેડૂત પરિવર્તન પેનલનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને અનેક બેઠકો પર હાર-જીતનું અંતર પાતળું રહેતા ચૂંટણીના પરિણામો રસપ્રદ બન્યા હતા.

ખેડૂત પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો

ખેડૂત પરિવર્તન પેનલના અઘારા નયનભાઈ લાલજીભાઈએ 724 મત મેળવી સૌથી વધુ મત સાથે વિજય મેળવ્યો હતો. કડીવાર નથુભાઈ ભુરાભાઈને 691 મત, મેરજા સતિષભાઈ ભાણજીભાઈને 690 મત, ઉજરીયા મનસુખભાઈ ભાણાભાઈને 688 મત મળ્યા હતા.

જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજીને 677 મત, ડાંગર વિનોદભાઈ હિરાભાઈને 676 મત અને પાંચોટીયા રાજેશભાઈ જેઠાભાઈને 674 મત મળતા તેઓ પણ વિજેતા જાહેર થયા હતા.

સહકાર પેનલના ત્રણ ઉમેદવારોનો વિજય

ભાજપ તરફથી રહેલી સહકાર પેનલના ડાકા પ્રવીણભાઈ ટપુભાઈએ 706 મત મેળવી વિજય મેળવ્યો હતો. દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈને 692 મત અને ઝાલા મહેન્દ્રસિંહ દિલાવરસિંહને 675 મત મળતા તેઓ પણ વિજેતા બન્યા હતા.

ખેડૂત મતદારોએ બદલી નાખ્યું યાર્ડનું રાજકીય ગણિત

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજલાઈન વળતર સહિતના મુદ્દે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને અનેક ગામો દ્વારા આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. આવા માહોલ વચ્ચે યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત મતદારોએ કોંગ્રેસના ટેકાથી મેદાનમાં ઉતરેલી ખેડૂત પરિવર્તન પેનલને બહુમતી બેઠકો આપતા યાર્ડના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

વર્ષોથી સહકાર પેનલનો દબદબો રહ્યો હોવા છતાં આ વખતે ખેડૂત પરિવર્તન પેનલે 10માંથી 7 બેઠકો કબજે કરી ભાજપ તરફથી રહેલી સહકાર પેનલનો દાવ ઉંધો પાડી દીધો છે. પરિણામે મોરબી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગનું રાજકીય સમીકરણ બદલાયું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

વેપારી વિભાગમાં બંને પેનલને સરખી 2-2 બેઠકો

આજે સવારે જાહેર થયેલા માર્કેટ યાર્ડના વેપારી વિભાગની 4 બેઠકોના પરિણામમાં સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલને 2-2 બેઠકો મળી હતી.

વેપારી વિભાગમાં સહકાર પેનલના રાજેશભાઈ દામજીભાઈ બરાસરા 36 મત મેળવી વિજેતા બન્યા હતા. જ્યારે ખેડૂત પરિવર્તન પેનલના ઘનશ્યામભાઈ જયંતીલાલ બાવરવા 34 મત અને બાબુલાલ રૂગનાથભાઈ ભાડજા 30 મત મેળવી વિજેતા બન્યા હતા.

સહકાર પેનલના સુરેશભાઈ જીવરાજભાઈ કાવરને 28+1 એટલે કે 29 મત મળ્યા હતા અને ચિઠ્ઠી દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કિશોરભાઈ થોભણભાઈ બાવરવાને 28 મત અને જગદીશભાઈ કરમશીભાઈ સીણોજીયાને 21 મત મળ્યા હતા.

મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગમાં કોંગ્રેસના ટેકાથી ઉતરેલી ખેડૂત પરિવર્તન પેનલને મળેલી 7 બેઠકોને કારણે સહકારી રાજકારણમાં નવા સમીકરણો રચાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભાજપ તરફથી રહેલી સહકાર પેનલને માત્ર 3 બેઠકો મળતા આ પરિણામ રાજકીય રીતે પણ મહત્વનું બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો

Follow Us on