Placeholder canvas

મોરબી: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

મોરબી : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં 1657 લાભાર્થીઓને રૂ. 3.45 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા થકી ખરા બકદારોને આ યોજનાઓનો સીધો લાભ આપવાનો પ્રયાસ કરાતો હોવાનું જણાવ્યું હતું.

મોરબી માર્કેટ યાર્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને આગેવાનો દ્વારા દીપપ્રાગટ્ય કરી સમારોહનો આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તથા કલેક્ટર જે. બી. પટેલ અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા યોજના, આયુષ્યમાન કાર્ડ, કસ્તુરબા પોષણ સહાય યોજના, માનવ કલ્યાણ યોજના, નિરાધાર વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કૌટુંબિક સહાય યોજના, નિરાધાર વિધવા સહાય, દિવ્યાંગ સાધન સહાય યોજના માટે નાણાકીય સહાય સહિતની યોજનાઓના 1657 લાભાર્થીઓને કુલ રૂ. 3,45,49,170ની સહાય રકમ અર્પણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી તેમજ અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી કામ, અથાણા બનાવટ, પ્લમ્બર તથા સેન્ટિગ કામ માટે માનવ ગરિમા યોજના હેઠળ સાધનોની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નેજા હેઠળ સેવાભાવીઓ મહેન્દ્રભાઈ રઘાણી અને રાધે ઠક્કર અનુદાનિત વિકાસ વિદ્યાલયની સ્કૂલ બસ અને રાષ્ટ્રીય બાલ સુરક્ષાના વિભાગના વાહનનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબો અને છેવાડાના માનવીનું જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નશીલ રહી છે. જેના ભાગરૂપે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે. જેથી, વચેટિયાઓના બદલે જરૂરિયાતમંદોને કે જેમનો હક છે, તેમના સુધી સહાય પહોંચે તે માટે યોજનાઓનો સીધો લાભ આપવામાં આવે છે. આ સાથે કોરોનાકાળમાં આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી. તેમજ દેશભરમાં ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા લડવૈયાઓને યાદ કરી દેશ આઝાદીના 100 વર્ષમાં ખુબ પ્રગતિ કરે તેમ કહી ઉદબોધન પૂર્ણ કર્યું હતું.

આ તકે મોરબી-માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ આ બીજી વખત મોરબીની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગરીબોના ઉત્થાન માટે ઘર આંગણે સુવિધા આપવાનો રાહ કંડારેલી, તેના પર ચાલીને વર્તમાન મુખ્યમંત્રીએ ગરીબ કલ્યાણ મેળો યોજી ગરીબોની જરૂરિયાત સંતોષી છે. ગરીબ કલ્યાણ મેળો પંચાયત વિભાગના નેજા હેઠળ યોજાતો હોવાથી પંચાયત મંત્રી તરીકે ગૌરવ અનુભવું છું.

આ વેળાએ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર સહિતના અગ્રણીઓ તેમજ લાભાર્થીઓ અને શહેરીજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ સમાચારને શેર કરો