મોરબી સબ જેલ કે ગુનેગારોનું સેફ હાઉસ? વારંવાર વિવાદોમાં આવતી જેલના શૌચાલયમાંથી મળ્યો મોબાઈલ!
અગાઉ મળેલા ૩ મોબાઈલની તપાસ ઠેરની ઠેર ત્યાં ચોથો ફોન મળ્યો: ‘ભીનું સંકેલવા’માં માહિર જેલ પ્રશાસનની પોલ ખુલી!
મોરબી : ટૂંકા સમયમાં અનેકવાર ગંભીર વિવાદોમાં આવીને હેડલાઈન્સમાં ચમકતી મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર રામ ભરોસે સાબિત થઈ છે. જેલની અંદર જાણે ગુનેગારો માટે ડિજિટલ સુવિધાઓ ખુલ્લી મૂકી દેવાઈ હોય તેમ, અમદાવાદની જડતી સ્ક્વોડના ઓચિંતા ચેકિંગમાં વધુ એક મોબાઈલ ફોન શૌચાલયની કુંડીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા થોડા જ મહિનાઓમાં જેલમાંથી આ ચોથો મોબાઈલ મળી આવ્યો છે, છતાં જેલ પ્રશાસન ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
સંડાસની કુંડીમાંથી કેચાડા કંપનીનો ફોન મળ્યો
મળતી વિગતો મુજબ, અમદાવાદ જડતી સ્ક્વોડના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની ટીમે ગઈકાલે સવારે ૧૦:૪૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી મોરબી સબ જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન જેલના સર્કલ નંબર-૧ ની બેરેક નંબર-૧ ની પાછળ આવેલા પ્રથમ શૌચાલયની કુંડીને ફંફોસતા તેમાંથી ‘કેચાડા’ કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો, બે સીમકાર્ડની સ્પેસવાળો અને બેટરી સાથેનો (પાછળના ઢાંકણ વગરનો) મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ અંગે જેલના સત્તાધીશો કે કેદીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અગાઉના ૩ મોબાઈલનું શું થયું? તપાસના નામે મીંડું!
મોરબી સબ જેલનો ઈતિહાસ જોતા આ કોઈ નવી વાત નથી. અગાઉ પણ જડતી સ્ક્વોડે દરોડો પાડીને જેલની અંદરથી બે મોબાઈલ ફોન ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યા શખ્સે જેલની બહારથી અંદર પોટલું ફેંક્યું હતું, જેમાંથી પણ એક મોબાઈલ મળી આવ્યો હતો. આમ, ભૂતકાળમાં જુદા જુદા સમયે ૩ મોબાઈલ મળી આવ્યા હોવા છતાં, તે મોબાઈલ કોના હતા અને તેનો ઉપયોગ કયા કયા ગુનાહિત કાવતરા માટે થતો હતો, તેની તપાસ સ્થાનિક જેલ તંત્રે ‘ઠેરની ઠેર’ રાખીને મામલો રફેદફે કરી નાખ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
જેલ સ્ટાફની રહેમનજર કે મિલીભગત? જનતામાં ઉઠતા સવાલો
વારંવાર વિવાદોમાં આવતી મોરબી જેલની આ ઘટનાએ અનેક સળગતા સવાલો ઉભા કર્યા છે:
જેલના મુખ્ય દરવાજે થતું લોખંડી ચેકિંગ શું માત્ર દેખાડો જ છે?
જેલની અંદર એન્ડ્રોઇડ અને કીપેડ ફોન પહોંચાડવામાં કયા ‘મોટા માથાઓ’ આશીર્વાદ આપી રહ્યા છે?
અગાઉના કેસોની જેમ આ ચોથા મોબાઈલના કેસમાં પણ સત્ય બહાર આવશે કે પછી હંમેશની જેમ ‘ભીનું સંકેલી’ લેવાશે?
અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ: PSI એચ.આર. જાડેજાએ તપાસ સંભાળી
આ ચકચારી ઘટના અંગે જડતી સ્ક્વોડના જેલર દેવશીભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ (કેદી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે. હાલ આ સમગ્ર કૌભાંડની વધુ તપાસ પીએસઆઈ (PSI) એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચે છે કે પછી જેલ પ્રશાસનની બેદરકારી પર પડદો પડી જાય છે.

