મોરબીમાં SMCની રેડ બાદ પીએસઆઈ પાતળીયા અને બીટ જમાદાર પી.બી. ઝાલાને ફરજ મોકૂફ કરાયા…
મોરબી : મોરબીમાં ગઈકાલે સાંજના સમયે મોરબીના શક્ત શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ એસએમસીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ એક પીએસઆઈ અને જમાદારને એસપીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે સાંજે શક્ત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી મુકેશ મહેન્દ્ર કુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દિનેશ પ્રેમરામ ગુરુ અને પ્રવીણ ભગીરથરામ વારાડ રહે.તમામ રાજસ્થાન વાળાઓને વિદેશી દારૂની 17514 બોટલ કિંમત રૂપિયા 76,39,092, ત્રણ વાહનો કિંમત રૂપિયા 35,30,000, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને રોકડા રૂપિયા 5120 સહિત કુલ રૂપિયા 1,11,94,212 સાથે ઝડપી લઈ વિદેશી દારૂના નેટવર્કને ખુલ્લું પાડ્યું હતું.
વધુમાં દરોડા દરમિયાન આરોપીઓની પૂછતાછમાં અન્ય સાત આરોપીઓની સંડોવણી સામે આવતા આરોપી અશોક પૂર્ણાંરામ પુવાર, કમલેશ હનુમાનરામ રામ, મહેશ ચૌધરી, ટ્રેલર ટ્રકનો માલિક અને ડ્રાઇવર, અશોક લેલન્ડ બડા દોસ્તનો માલિક અને દારૂનો જથ્થો મોકલનાર શખ્સને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
એસએમસીની આ સફળ રેડ બાદ સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના પીએસઆઇ પાતળિયા અને શનાળા બીટ જમાદાર પી.બી. ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

