વાંકાનેર: મેસરીયામાં સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં મારામારી બાદ કારમાં આગ ચાંપી.

વાંકાનેર તાલુકાની મેસરીયા ગામે મેસરિયા જુથ સેવા સહકારી મંડળીમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં બંને પેનલો પાસે સાત-સાત ઉમેદવાર હોવાથી હોદ્દેદારોની વરણી સમયે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ મારામારીના બનાવની વાત વાયુ વગર ફેલાઈ હતી. આ ઘટનાથી ગ્રામજનો ભડક્યા હતા અને એક ગાડીને આગ ચાંપી દીધી હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આવેલ શ્રી મેસરીયા જૂથ સેવા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 14 સભ્યોમાંથી બંને પેનલો પાસે સાત-સાત સભ્યો હોય, જેના કારણે બંને પક્ષોએ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે પૂરી તાકાત લગાવ્યા બાદ આજરોજ યોજાયેલ ચૂંટણીમાં એક પક્ષ દ્વારા સામેની પેનલના ઉમેદવાર માટે લોબિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હોય, જે નિષ્ફળ જતા મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે કરતાં વધારે લોકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો