રામજી મંદિર પાસે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપ; યુવાનને માથાના ભાગે ઈજા થતાં ત્રણ ટાંકા લેવા પડ્યા
વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને એક યુવાન પર લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવાને એક જ પરિવારના ચાર સભ્યો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રામજી મંદિરના ચોરે બોલાચાલી થઈ હતી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેસરીયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ વાલાભાઈ બેડવા (ઉંમર 34 વર્ષ) ગત તા. 9 ઓક્ટોબરના રોજ સાંજના સમયે ગામના રામજી મંદિરના ચોરે બેઠા હતા. આ દરમિયાન ગામના જ વિશાલ હેમુભાઈ વાળા સાથે કોઈ સામાન્ય બાબતે તેમની બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીનો ખાર રાખીને થોડા સમય બાદ વિશાલ વાળા તેના ભાઈઓ સમીર અને બાદલ તેમજ માતા હંસાબેન હેમુભાઈ વાળા સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને પ્રકાશભાઈ પર હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
લોખંડના પાઇપથી માથામાં માર માર્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, સમીર અને બાદલે પ્રકાશભાઈને માર માર્યો હતો, જ્યારે હંસાબેને તેમને પકડી રાખ્યા હતા. તે દરમિયાન વિશાલે પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે પ્રકાશભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો.
આ હુમલામાં પ્રકાશભાઈના માથામાંથી લોહી નીકળતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે ઈજા થતાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.
ચારેય સામે પોલીસ ફરિયાદ
આ બનાવ અંગે પ્રકાશભાઈ બેડવાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે વિશાલ હેમુભાઈ વાળા, સમીર, બાદલ અને હંસાબેન હેમુભાઈ વાળા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#વાંકાનેર #મેસરીયા #મારામારી #પોલીસફરિયાદ #MorbiNews #WankanerNews #KaptaanNews
