Placeholder canvas

લાઈનમા રહો: બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન પછી વેપારીઓ હવે RTPCR ટેસ્ટ માટે લાઈનમાં !

વાંકાનેર સિવિલમાં રોજની આરટીપીસીઆરની 50 કીટ આવે છે તો વાંકાનેરના તમામ વેપારીઓનો આ ટેસ્ટ કેટલા દિવસમાં થઈ શકે?

સરકારના અવા નિર્ણયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. RTPCR ની પૂરતી કીટ આપવાની ત્રેવડ નથી અને નેગેટિવ રિપોર્ટ ફરજિયાતના જાહેરનામા પ્રસિધ્ધ કરાવે છે.

આરટીપીસીઆર રિપોર્ટ માટે સિવિલમાં વેપારીઓની લાઈન લાગે છે. જેના કારણે સંક્રમણ વધવાની દહેશત છે.

શહેરમાં જ્યાં જ્યાં વધુ માણસો એકઠા થતા હોય તેવી જગ્યાએ એ ધંધાના માલિક, વેપારીઓએ આરટીપીસીઆરનો કોરોનાનો નેગેટીવ હોવાનો રિપોર્ટ ફરજિયાત રાખવાનું જાહેરનામુ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા વેપારીઓએ પોતે કોરોના નેગેટિવ છે તે માટેનો આરટીપીસીઆરનો રિપોર્ટ ફરજિયાત રાખવાનો રહેશે. આ દાખલો દસ દિવસથી વધુ જૂનો ન હોવો જોઈએ મતલબ કે દર ૧૦ દિવસે વેપારીઓએ આરટીપીસીઆરનો ટેસ્ટ કરાવવાનો રહેશે. અથવા તો કોરોના વેકશીનના બંને ડોઝ લીધાનો દાખલો રાખવાનો રહેશે. જો કોરોના નેગેટિવ હોવાનાં પ્રમાણપત્રો વેપારી પાસે નહિ હોય તો તેના ઉપર કાયદેસર દંડ કરવામાં આવશે.

પ્રથમ નજરે સરકારનો આ નિર્ણય ખૂબ સારો લાગે છે, જ્યાં વધુ માણસો એકઠા થતા હોય અને વેપારી જો સંક્રમિત હોય તો આ સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાઓ રહેલી છે, જેથી આવા પગલાં લેવાથી તેમને રોકી શકાય. પરંતુ સરકાર આ આરટીપીસીઆર ટેસ્ટ માટેની સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ જઇ રહી છે. આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જ્યાં આરટીપીસીઆર નો ટેસ્ટ થાય છે ત્યાં વેપારીઓની મોટી મોટી લાઈનો જોવા મળે છે.આ ઉપરાંત વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ નિઃશુલક કરી આપવામાં આવે છે, ત્યાં પણ વેપારીઓની મોટી લાઈન જોવા મળી રહી છે.

વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી દરરોજની 50 આરટીપીસીઆર કિટ આવે છે મતલબ કે વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલે ૫૦ થી વધુ વ્યક્તિનો ટેસ્ટ ન થઈ શકે. આ જ રીતે ગાયત્રી મંદિર ખાતે સો થી દોઢસો લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. આમ વાંકાનેરમાં દરરોજના 150 થી 200ની આસપાસ ટેસ્ટ થઈ રહ્યા છે. જેમાં સંભવિત આવતીકાલ થી 30 નો વધારો થનાર છે.

આજે સિવિલ હોસ્પિટલે કપ્તાનની ટીમે રૂબરૂ મુલાકાત લેતા ઘણા બધા એવા વેપારીઓ એવું કહેતા મળ્યા કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી સતત લાઈનમાં રહે છે.આમ છતાં તેમનો વારો હજુ આવ્યો નથી. ત્યારે વેપારીઓના પ્રશ્ન એ છે કે અમારે ટેસ્ટ કરાવવા લાઈનમાં ઉભુ રહેવું કે વેપાર ધંધા કરવા અને જો પાછું એક વખતથી પતી જતું હોય તો લાઈનમાં પણ ઉભા રહીએ પણ આતો દર દશ દિવસે ટેસ્ટ કરાવવાના છે તો આમાં વેપાર-ધંધા કઈ રીતે કરવા !

વાંકાનેરમાં અત્યારે દરરોજના દોઢસોથી બસો ટેસ્ટ થઈ રહ્યા છે અને જો વાંકાનેરમાં ૧૫૦૦ની આસપાસ દુકાનો આવેલી હોય અને દરેક દુકાનમાં બે વ્યક્તિ રહેતી હોય તો 3000 વ્યક્તિના ટેસ્ટ કરાવવાના રહે જ્યારે વાંકાનેરની વર્તમાન ટેસ્ટિંગ કેપીસીટિ મુજબ જોઈએ તો આજથી એક પણ દર્દીના ટેસ્ટ ન કરવામાં આવે અને તમામ ટેસ્ટ કિટનો માત્રને માત્ર વેપારીઓ માટે ઉપયોગ કરવામાં આવે તો પણ દસ દિવસમાં વધુમાં વધુ બે હજાર વ્યક્તિના ટેસ્ટ થઈ શકે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો માત્ર વેપારીના ટેસ્ટ કરવાના હોય તો નવા દર્દીઓ ટેસ્ટ કરાવવા ક્યાં જશે?

આમે હવે તો લોકો પણ જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે કે આ કોરોના મહામારીમાંથી લોકોને ઉગારવા માટેની આ અકકલ વગરની સરકારને કોઇ ગતાગમ પડતી નથી. જેથી મનમાં આવે તેવા ગતકડા રજૂ કરી રહી છે ! આ સરકારે હોસ્પિટલમાં બેડ માટે, રેમડીસીવીર ઇન્જેક્શન માટે, ઓક્સિજનના માટે લોકો અનહદ હેરાન પરેશાન થયા છે અને લાઈનમાં ઊભા રહ્યા છે. ત્યારે હવે શહેરોમાં વેપારીઓને આ સરકારે આરટીપીસીઆર ના ટેસ્ટ માટે લાઈનમાં ઊભા રાખી દીધા છે.

સરકારના અમુક સારા નિર્ણયો પણ આજે વ્યવસ્થાના અભાવે લોકો હેરાન થઇ રહ્યા છે. જેથી સૌપ્રથમ સરકારે અને તંત્રએ વેપારીઓને આરટીપીસીઆરના ટેસ્ટ કરાવવાની સગવડતા આપવી જોઈએ, બાદમાં દંડ લેવા નીકળવું જોઈએ અને જો સરકાર કે તંત્ર આ આરટીપીસીઆર ટેસ્ટ કરવાની સગવડતા ઊભી ન કરી શકતી હોય તો તેમને વેપારીઓ ઉપર દંડ કરવાનો કોઈ નૈતિક અધિકાર રહે નહીં…

હાલમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ફરિયાદ કરવી તો કોને કરવી? રાજ્યના મુખ્યમંત્રી ત્રણ ચાર દિવસ પૂર્વે એમ કહે છે વાહનચાલકો ઉપર દંડ ન કરવા અને બે દિવસમાં ફેરવી તોળી શકતા હોય તો તેમની પાસે વધુ અપેક્ષા શુ રાખી શકાય ?હવે સરકાર અને સરકારી તંત્ર લોકોની સહનશીલતા ના પારખા ન કરે, કેમકે હવે તમારા અણઘડ નિર્ણય અને અક્કલ વગરના વહીવટથી લોકો ગળે આવી ગયા છે. આખરે પ્રભુ પાસે એ પ્રાર્થના કરીએ કે સરકારને અને તંત્રને સદબુદ્ધિ આપે અને લોકોને હેરાન-પરેશાન અને લૂંટવાના બંધ કરે …

આજે વાંકાનેરની જનતા, વેપારીઓ પરેશાન છે,ત્યારે વાંકાનેરના આગેવાનો કયા છે? અમો તમને ઢંઢોળીએ છીએ અને વાંકાનેર વાસીઓ થકી અપીલ કરીએ છીએ કે તમે બહાર આવો અત્યારે લોકોને સહારાની જરૂર છે. આવા અણઘડ નિર્ણય સામે રજૂઆત કરો, લડત કરો અને લોકોને સહારો આપો અમો પણ એમાં તમારી સાથે રહેશુ…..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો