મોરબીમાં ઠગાઈનો નવતર કિસ્સો: ૧૦-૨૦ની છુટી નોટ અપાવવાની લાલચ આપી વેપારી સાથે ૨.૫૦ લાખની છેતરપિંડી
આંગડિયા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગબાજ પંકજ ફેફરે ફોન બંધ કરી દીધો: અગાઉ પણ ૩ લોકોને ઠગ્યા હોવાનો ખુલાસો
મોરબી | ૧૮ ફેબ્રુઆરી: મોરબી શહેરમાં ચલણી નોટોની અછતનો ફાયદો ઉઠાવીને વેપારીઓને શીશામાં ઉતારતો એક ઠગબાજ સામે આવ્યો છે. હાર્ડવેરના વેપારીને ૧૦ અને ૨૦ રૂપિયાની છુટી નોટોનું બંડલ અપાવવાની લાલચ આપીને રાજકોટના એક શખ્સે આંગડિયા મારફતે ૨.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં ફોન બંધ કરી દઈ છેતરપિંડી આચરનાર આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વેપારીને વાતોમાં ભોળવ્યા
ફરિયાદી ચેતનભાઈ રતિલાલ દેત્રોજા (રહે. જ્યોતિપાર્ક, ૨વા૫૨ ઘુનડા રોડ) ને ગત તા.૨૧ ના રોજ પંકજ કેશવજીભાઈ ફેફર નામના શખ્સે ફોન કર્યો હતો. આરોપીએ પોતે અલગ ચેતનભાઈને ફોન કરતો હોવાનું નાટક કરીને હાર્ડવેર વેપારી ચેતનભાઈને વાતોમાં લીધા હતા. બજારમાં છુટી નોટોની અછત હોવાથી આરોપીએ ૨.૫૦ લાખની નોટો આપવાની લાલચ આપી હતી.
આંગડિયામાં પૈસા મંગાવી છેતરપિંડી
વેપારીએ છુટી નોટો માટે હા પાડતા આરોપીએ પૈસા અમદાવાદ આપવાના હોવાનું જણાવી આંગડિયા મારફતે ૨.૫૦ લાખ મોકલવા કહ્યું હતું. વેપારીએ વિશ્વાસ રાખી પૈસા આંગડિયામાં મોકલી આપ્યા હતા. આરોપીએ પૈસા મળ્યાનું કન્ફર્મ કર્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા વેપારીને છેતરાયાનો અહેસાસ થયો હતો.
અગાઉ પણ ૩ લોકો સાથે ઠગાઈ
તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપી પંકજ ફેફરે અગાઉ પણ આ જ રીતે અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી છે, જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

