મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે ખોટી ઓળખ આપી નોકરી અપાવવાની લાલચ આપતી હતો…
સુરેન્દ્રનગર: સરકારી નોકરી અપાવવાના બહાને ₹25 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપી મેહુલભાઈ પરીમલભાઈ શાહને સુરેન્દ્રનગર પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 30 વર્ષીય મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે ગાંધીનગર સચિવાલયના રેવન્યુ વિભાગનું લખાણ ધરાવતું કાર્ડ બતાવી ફરિયાદી સહિત અન્ય લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી.
આરોપીએ ફરિયાદીના ત્રણ સંતાનો, એક ભત્રીજા અને એક ભાણીને સરકારી નોકરી અપાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. નોકરી અપાવવાના બહાને અલગ-અલગ રીતે કુલ ₹25 લાખ મેળવ્યા બાદ નોકરી પણ અપાવી નહોતી અને રૂપિયા પણ પરત કર્યા નહોતા. આ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316(2), 318(2) અને 61(2) હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી આરોપી રાજસ્થાનમાં હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઉદયપુર જિલ્લાના ગીરવા તાલુકાના ફાંદા વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી મેહુલ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેર DCB અને નરોડા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેરમાં પણ પાંચ-સાત વર્ષ રોકાયો હતો
મહત્વની વાત એ છે કે મેહુલ શાહ વાંકાનેરમાં પણ આશરે પાંચથી સાત વર્ષ સુધી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે એક અંગ્રેજી માધ્યમ અને એક ગુજરાતી માધ્યમની શાળા ભાડે રાખીને ચલાવતો હતો.
હવે સુરેન્દ્રનગરમાં ₹25 લાખની છેતરપિંડીનો ગુનો સામે આવ્યા બાદ વાંકાનેરમાં તેના લાંબા રોકાણ દરમિયાન તેની પ્રવૃત્તિઓ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. વાંકાનેરમાં આટલા વર્ષો સુધી રહેતા સમયે તેણે કોઈ અન્ય વ્યક્તિ સાથે નોકરી, શાળા કે અન્ય વ્યવહારના નામે કોઈ છેતરપિંડી કરી હતી કે નહીં? આ દિશામાં પણ તપાસ થાય તો વધુ હકીકતો બહાર આવી શકે છે.
પોલીસ તપાસ આગળ વધે તેમ મેહુલ શાહની અગાઉની પ્રવૃત્તિઓ અને અન્ય સંભવિત ફરિયાદો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
