વાપીમાં બંધ બંગલામાંથી 25 કરોડનું MD ડ્રગ્સ જપ્ત: પિતા-પુત્ર સહિત પાંચની ધરપકડ
ગુજરાતને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત કરવાની ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત ATS અને SOG દ્વારા વાપીના પોશ વિસ્તાર ચલામાં આવેલા એક બંધ બંગલામાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે અહીંથી લગભગ પાંચ કિલો જેટલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 25 કરોડ આંકવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ કોઈને શંકા ન જાય તે માટે રહેણાંક વિસ્તારના એક બંધ બંગલામાં ગુપ્ત રીતે આ ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરી હતી. આ કારખાનામાં તૈયાર થયેલું ડ્રગ્સ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું.
આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી, જે ભૂતકાળમાં પેટ્રોલ પંપના કેસમાં પણ સંડોવાયેલો હતો, તેના પુત્ર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી મેળવવામાં આવતો હતો અને તૈયાર ડ્રગ્સ ક્યાં અને કોને સપ્લાય કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન અનેક નવા કનેક્શન ખૂલવાની શક્યતા છે.

