સુરત કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં MCC ગુજરાત સક્રિય, ઉચ્ચ અધિકારીઓને કાયદાકીય નોટિસ
Minority Coordination Committee Gujarat ના કન્વીનર Mujahid Nafis દ્વારા સુરત શહેરના અલથાણ વિસ્તારમાં તા. 25 એપ્રિલ 2026ના રોજ બનેલી જાહેર પરેડિંગ અને કસ્ટોડિયલ ટોર્ચર ઘટનાને લઈને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓને કાયદાકીય અવમાનના નોટિસ પાઠવવામાં આવી છે.

આ નોટિસ રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ, ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તેમજ Surat City Police ના પોલીસ કમિશનરને મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.

નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી મોહમદ અઝીઝ શેખને પોલીસ દ્વારા જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી તેમજ કસ્ટોડિયલ હિંસાનો ભોગ બનાવવામાં આવ્યો હતો. આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક વિભાગીય, શિસ્તભંગ, દંડાત્મક અને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

MCC ગુજરાતના જણાવ્યા મુજબ ઘટનાને લગતા વિડિયો ક્લિપ્સ, તસવીરો અને મીડિયા અહેવાલો વ્યાપક રીતે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં પ્રસિદ્ધ થયા છે. જેમાં આરોપીને કથિત “રી-કન્સ્ટ્રક્શન”ના નામે જાહેરમાં પરેડ કરાવવામાં આવી હોવાના અને કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નોટિસમાં આ સમગ્ર કાર્યવાહી “એક્સ્ટ્રા-જ્યુડિશિયલ પનિશમેન્ટ” સમાન ગણાવવામાં આવી છે.
સંસ્થાએ જણાવ્યું છે કે કોઈપણ આરોપીને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના જાહેર અપમાન, મારપીટ અથવા કસ્ટોડિયલ હિંસાનો ભોગ બનાવવો ભારતના બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળતા જીવન અને માન-મર્યાદાના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

નોટિસમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટનાના વિડિયો, ફોટોગ્રાફ્સ અને મીડિયા અહેવાલો જાહેર થયા હોવા છતાં આજદિન સુધી જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા તંત્રની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે.
મુંજાહિદ નફિસ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની, તપાસ અને મોનીટરીંગ તંત્રને સક્રિય કરવાની તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ જરૂરી શિસ્તભંગ, દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

