ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 13 માર્ચથી 16 માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને 17 જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં હાલમાં રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવી પાકની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠુ થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.

