ટંકારાના નેકનામમાં આડા સંબંધના કારણે પરણીતાનો આપઘાત: પતિ અને જેઠ સામે ગુનો દાખલ

પતિના અફેરનો વિરોધ કરતા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાની મૃતકની માતાએ ટંકારા પોલીસમાં નોંધાવી ફરિયાદ

નેકનામ (ટંકારા): ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી ૨૪ વર્ષીય પરણીતા સુનીતાબેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મૃતકના માતા મલીબેન ભારતભાઈ પરમાર (રહે. જાંબુ, તા. ધાનપુર, જી. દાહોદ) દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના ભાઈ સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા અનુસાર, મૃતક સુનીતાબેન અને તેના પતિ માજુભાઈ ચીમનભાઈ સંગોડ નેકનામ ગામે કિશોરભાઈ ચીકાણીની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા. દરમિયાન પતિ માજુભાઈને અન્ય એક છોકરી સાથે આડા સંબંધ હોય, સુનીતાબેને તેનો વિરોધ કર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી પતિ માજુભાઈ અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસ આપવામાં તેના મોટા ભાઈ રાજુભાઈ ચીમનભાઈ સંગોડ (જેઠ) પણ મદદગારી કરતો હતો.

પતિ અને જેઠના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે સુનીતાબેને વાડી વિસ્તારમાં આવેલ જાંબુડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે પતિ માજુભાઈ અને જેઠ રાજુભાઈ (બંને રહે. પાવ, તા. ધાનપુર, જી. દાહોદ) સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

આ સમાચાર શેર કરો

Follow Us on