રાજકોટ: રાજકોટ જિલ્લામાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે, શહેરની ભાગોળે આવેલા અણીયારા ગામની સીમમાં ગાંજાની મોટી ખેતી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ₹૧.૧૧ કરોડની કિંમતનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે.
તુવેરના પાક વચ્ચે છુપાવ્યું હતું વાવેતર
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દેવા ધરાજીયા અને સંજય બારોટને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અણીયારા ગામની સીમમાં ઘઉં અને મુખ્યત્વે તુવેરના પાકની વચ્ચે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા ૬૪ છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગાંજાનું વજન કરાવતા કુલ ૨૨૩ કિલો (સૂકો અને ભીનો) ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત ₹૧,૧૧,૦૦,૦૦૦ (રૂપિયા એક કરોડ અગિયાર લાખ) આંકવામાં આવી છે.
ભાગીયાની ધરપકડ, વાડી માલિકની શોધખોળ
પોલીસે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મૂળ હાલકણા ગામના રહેવાસી હના થવા ગાબુ (ઉં. ૪૮) નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો ભાગીયો છેલ્લા દોઢ વર્ષથી આ ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો.
જોકે, આ વાડી નાથાભાઈ ભીમાભાઈ સિંધવની માલિકીની હોવાનું સામે આવ્યું છે. હાલમાં વાડી માલિક નાથા સિંધવ અજાણ હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસે વાડી માલિકની સંડોવણી અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહીથી જસદણ અને વિછીયા બાદ રાજકોટની નજીકમાં પણ ગાંજાનું વાવેતર પકડાવવાના બનાવથી યુવાનો સુધી માદક દ્રવ્યો પહોંચે તે પહેલા જ પોલીસે મોટી સફળતા મેળવી છે.
