વાંકાનેર

બળાત્કારીઓ વિરુદ્ધ અને બળાત્કાર માટે ભડકાવતા બહેન–બેટીને ઈજ્જત લુટવાનું શીખવતા કન્ટેન્ટ સામે માર્ચ…

વલ્ગર  કન્ટેન્ટ પીરસનારા સામે ડિજીટલ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની અપીલ

અમદાવાદ: રક્ષાબંધનના પાવન પર્વ પર, જ્યારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમની મીઠાશ ફેલાયેલી હતી, અમદાવાદના માર્ગો પર એક અલગ જ ઉર્જા અને સંકલ્પનો નજારો જોવા મળ્યો હતો. રક્ષાબંધનના પાવન અવસર પર નારી ગરિમા, સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે બળાત્કારીઓ વિરુદ્ધ અને બળાત્કાર માટે ભડકાવતા – બહેન – બેટીને ઈજ્જત લુટવાનું શીખવતા કન્ટેન્ટ સામે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં  લોકોએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો, જે તાજેતરમાં કલકતા, આંધ્રપ્રદેશ અને દેશના વિવિધ ભાગોમાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચનું આયોજન પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તાથી શરૂ થયું અને ફતેહપુરા, અંજલિ ચાર રસ્તા થઈને ધરણીધર ચાર રસ્તા પર સમાપ્ત થયું. આ દરમિયાન, માર્ગો પર સળગતી મીણબત્તીઓ અને લોકોની આંખોમાં આક્રોશ અને દુઃખનો ભાવ જોવા મળ્યો. આ માર્ચનું આયોજન તે માતાઓ, બહેનો અને દીકરીઓના સન્માન અને સુરક્ષા તરફ સમાજની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવવા માટે થયું હતું. આ માર્ચમાં અશ્લીલતા વિરુદ્ધ હુંકાર ઉઠયો હતો.

માર્ચ દરમિયાન આયોજિત જનસભામાં વક્તાઓએ મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો પાછળ અશ્લીલ અને વિકૃત સામગ્રીના પ્રસારને મુખ્ય કારણ ગણાવ્યું. જ્યાં સુધી સમાજમાં ઓટીટી માધ્યમ દ્વારા અશ્લીલતા અને માનસિક વિકૃતિ ફેલાયેલી રહેશે, ત્યાં સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અસંભવ છે. અશ્લીલ અને વિકારક સામગ્રીના પ્રસારના પાપે સમાજમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. વક્તાઓએ સરકારને સસરા-વહુના, શિક્ષક–વિધાર્થીના, ભાભી–દિઅરના સબંધો વિકૃત રીતે દર્શાવતા – અલ્ટ, ‘ઉલ્લુ’ જેવા પ્લેટફોર્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા અને કોમન પોગ્રામ કોડ ઝડપથી લાગુ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા, સ્ત્રીઓનું અભદ્ર ચિત્રણનો કાયદો અને IT અધિનિયમમાં તાત્કાલિક સુધારાની માંગ કરી, જેથી અશ્લીલ અને વિકારક સામગ્રી સામે કઠોર પ્રાવધાન શામેલ થાય અને આ પ્રકારની હાનિકારક સામગ્રી પ્રકાશિત કરવામાં સંલગ્ન તમામ લોકોને EXEMPLARY અને કઠોર દંડ લાગુ થાય.

આ ઉપરાંત અશ્લીલ સામગ્રીના પોસ્ટ પર સોશીઅલ મીડિયામાં પૈસા કમાવવાની મોનેટાઈઝ(MONETIZE) કરવાની ઇકો સીસ્ટમ (ECOSYSTEM) તાત્કાલિક તોડી પાડવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રથાના કારણે વલ્ગર કન્ટેન્ટનો રાફડો ફાટી નીકળ્યો છે.

આ પ્રકારના કન્ટેન્ટ બળાત્કાર માટે ભડકાવી રહ્યું  છે  – બહેન – બેટીને ઈજ્જત લુટવાનું શીખવી રહ્યું છે. “વર્તમાનમાં OTT અને Social Mediaના કેટલાક પ્લેટફોર્મ્સ, જેમ કે અલ્ટ અને ઉલ્લુ, આપણા ઘરોમાં, પરિવારના સભ્યોમાં અને ખાસ કરીને યુવાનોમાં ગંદી ગાળો, વ્યભિચાર અને અશ્લીલતાનો પ્રસાર કરી રહ્યા છે. આ પ્રકારની કન્ટેન્ટને કારણે લોકો રાત્રિના ૮-૧૦ કલાક સુધી આ ગંદકીમાં ડૂબેલા રહે છે, જેના પરિણામે તેમનું શરીર અને મન બંને ખોખલું થઈ રહ્યું છે. આ કન્ટેન્ટ અભ્યાસ, રોજગારી અને કુટુંબના ધંધાને નષ્ટ કરી રહી છે.”

આવું કન્ટેન્ટ આપણા ધર્મ, સંસ્કાર અને સામાજિક મૂલ્યોને સંપૂર્ણ રીતે વિરુદ્ધ છે અને તેનાથી આર્થિક, સામાજિક, પારિવારિક અને માનસિક બરબાદી થઈ રહી છે. તે ટૂંકા ગાળામાં મોટા પાયે વિનાશ લાવી શકે છે. ‘હવસની આગ પર પૈસાની રોટલી શેકનારા’, સમાજમાં વિકૃતિ ફેલાવીને પરિવાર તોડનારા સમાજના દુશ્મનો પર ડિજીટલ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની અપીલ આ કેન્ડલ માર્ચમાં કરવામાં આવી.

મર્યાદા પુરુષોતમ પ્રભુ શ્રી રામની મર્યાદા અને સંસ્કારનું પ્રત્યેક નાગરિકના હૃદયમાં પુનઃ સ્થાપન કરવાની અને એવા તત્વો સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી, Vulgar Perverted Content યુવામાનસને વિકૃત કરે છે અને કુટુંબને તોડી નાખે છે.

આ માર્ચમાં યુવાનોની ભાગીદારી સૌથી ઉત્સાહજનક હતી. તેઓ શીલ – સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સૂત્રોચ્ચાર કરતા, પોસ્ટર લહેરાવતા અને પોતાના જુસ્સાથી સમગ્ર વાતાવરણમાં એક નવી ઉર્જા ભરી રહ્યા હતા. એક યુવતીએ કહ્યું, “અમે આ પરિવર્તનના વાહક છીએ. અમે એક એવી દુનિયા બનાવીશું જ્યાં કોઈ પણ મહિલા ડરના ઓથાર હેઠળ નહીં જીવે.” તેમના અવાજમાં સ્વચ્છ સાયબર ભારતના નિર્માણનો દૃઢ નિશ્ચય હતો, જે સૌને પ્રેરિત કરી રહ્યો હતો.

જ્યાં આપણે વિજ્ઞાન, ડિફેન્સ અને IT જેવા ક્ષેત્રોમાં સુપરપાવર બનવાના દિશામાં આગળ વધતા છીએ, ત્યાં આ સમસ્યાના કારણે આધ્યાત્મિક અને નૈતિક રીતે ભ્રષ્ટ થવાનો જોખમ છે. આપણી મૂળભૂત કુટુંબવ્યવસ્થાની ઉપર આ હુમલો આપણા રાષ્ટ્રને સાચી મહાનતાને પ્રાપ્ત કરવાની મુખ્ય રુકાવટ બની જાય છે. ચાલો મળીને કામ કરીએ, જેથી ભારત સુપરપાવર બની શકે અને આપણા ઓળખને ગૌરવ અપાવતા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી શકે.

આ કેન્ડલ માર્ચે સાબિત કર્યું કે અમદાવાદની જનતા નારી સુરક્ષાના મુદ્દે એકજૂટ છે. આ આયોજન માત્ર એક સામૂહિક ચેતના જગાડવામાં જ નહીં, પરંતુ સમાજમાં કાયમી પરિવર્તનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે. આયોજકોએ કહ્યું, “આજે આપણે જે ચિનગારી સળગાવી છે, તેને આપણે એક મશાલમાં ફેરવવાની છે. આપણે આપણા ઘરો, આપણા મહોલ્લાઓ, આપણા શહેરોમાં પરિવર્તન લાવવાનું છે.”

આજના આ આયોજને સિદ્ધ કર્યું કે અમદાવાદની જનતા સાયબર ભારતના નિર્માણ માટે અને નારી સુરક્ષા પ્રત્યે જાગૃત અને સંકલ્પબદ્ધ છે. આ કેન્ડલ માર્ચ માત્ર એક ઘટના ન હતી, પરંતુ એક જનચેતનાની  શરૂઆત હતી. આપણે આ સામૂહિક ચેતનાને એક નક્કર પરિણામમાં ફેરવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા પડશે.

વિશેષ માહિતી માટે : મો. 9974300912, 9313268263,  yuvaoffice9@gmail.com

આ સમાચારને શેર કરો