Placeholder canvas

વાંકાનેર: રાજાવડલામાં ‘અમારા વાહન પકડાવો છો’ કહી ૭ શખ્સો દ્રારા વૃદ્ધ પર હુમલો…

વાંકાનેરના રાજાવડલામાં ‘અમારા વાહન પકડાવો છો’ તેમ કહીને સાત શખ્સોએ ખેતરની વાડીએ બેઠેલા વૃદ્ધને કુહાડી અને ધારીયા વડે માર માર્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા ૭૪ વર્ષીય ફરિયાદી ગાંડુભાઈ દેવશીભાઈ ગમારાએ આરોપી લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા, વાલો સામતભાઈ ગમારા, રવિ સામતભાઈ ગમારા, પરબતભાઈ નારણભાઈ ગમારા, લાલો નારણભાઈ ગમારા, વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારા અને વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઈ ટોળીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓના વાહન રામપરાવીડી ખાતે અવારનવાર પકડતા હોય ત્યારે આ અંગેની બાતમી ગાંડુંભાઈએ આપી હોય તેવી શંકા આરોપીઓ રાખી હતી. ગાંડુંભાઈ તેમના પત્ની સાથે રાજાવડલા ગામમાં આવેલી તેમની વાડીએ આંબલી નીચે સેઢા પાસે બેઠા હતા. તે વખતે સફેદ કલરની ગાડીમાં આરોપીઓ હાથમાં કુહાડી તથા ધારીયુ તથા કુંડલીવાળી લાકડી સહિતના હથિયારો સાથે ત્યાં આવ્યા હતા અને ગાંડુંભાઈને કહ્યું હતું કે, ‘રામપરાવિડીમાં અમારા વાહન પકડાવો છો અને તમે અભ્યારણ ના ઉપલી અધીકારીઓને અમારા વાહનની માહિતી આપો છો’ તેમ કહી અપશબ્દો કહ્યા હતા.

જેમની સામે ગાંડુંભાઈએ પ્રતિકાર કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી લાખાએ ગાંડુંભાઈના માથા પર કુહાડી મારી હતી જ્યારે આરોપી વાલાએ ઉંધુ ધારીયુ માર્યું હતું.આ ઉપરાંત અન્ય આરોપીઓએ કુંડલીવાળી લાકડી અને પાઈપ વડે હુમલો કરી બેફામ માર માર્યો હતો. એ વખતે ગાંડુંભાઈના પત્નીએ દેકારો કરતા આરોપીઓએ કહ્યું હતું કે, આજતો તને જવા દઈએ છીએ પણ હવે પછી ભેગો થા ત્યારે જાનથી મારી નાંખવો તેમ કહી અને ગાડી લઈને જતા રહ્યા હતા.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો