હળવદ: જમીનના શેઢાની તકરારમાં લોહીયાળ ઝઘડો: મોટાભાઈને ‘શેઢો કેમ વધાર્યો’ કહી નાના ભાઈએ ખપારી મારી દીધી
હળવદ: ‘જર, જમીન અને જોરું – ત્રણ કજીયાના છોરું’ ઉક્તિ ફરી એકવાર સાર્થક થતી જોવા મળી છે. હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં ખેતીની જમીનના શેઢા (હદ) બાબતે થયેલી તકરારમાં નાના ભાઈએ પોતાના જ મોટાભાઈ પર ખપારી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
વાડીએ આંટો મારવા ગયેલા મોટાભાઈ પર હુમલો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા અને ‘ચોથાળું’ તરીકે ઓળખાતી સીમમાં વડીલોપાર્જિત ખેતીની જમીન ધરાવતા નારણભાઈ શિવાભાઈ ફુલતરિયા (ફરિયાદી) ગઈકાલે તેમની વાડીએ આંટો મારવા ગયા હતા. તે સમયે, તેમના નાના ભાઈ અને આરોપી હસમુખભાઈ શિવાભાઈ ફુલતરિયા (રહે. શિવપુર) શેઢા પાસે આવ્યા હતા. હસમુખભાઈએ મોટાભાઈ નારણભાઈને ઉગ્રતાથી પૂછ્યું કે, “તું મારી જમીનની હદમાં શેઢો વધારશ, મારી જમીન તરફ શેઢો વધારમાં.”
માપણી છતાં હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી
જવાબમાં ફરિયાદી નારણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે, “મેં મારી જમીનની માપણી કરાવી છે અને મારો કબજો તે મુજબ જ છે.” આટલું કહેતા જ આરોપી હસમુખભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી ખપારી (પાવડો/કોદાળી) વડે મોટાભાઈ નારણભાઈ ઉપર હુમલો કરી દીધો હતો.
હુમલો કર્યા બાદ નાનાભાઈએ મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘરેલુ ઝઘડો જીવલેણ હુમલામાં પરિણમતા, પીડિત નારણભાઈએ તાત્કાલિક હળવદ પોલીસ મથકમાં તેમના નાના ભાઈ હસમુખભાઈ ફુલતરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

