Placeholder canvas

રાજકોટ: નશાખોર ડોકટરની BMW કારે બાઇકને ઠોકરે લેતા મનપાના કર્મીનું મોત 

રાજકોટ: શહેરનાં ભાવનગર રોડ પર અમુલ સર્કલ ચોકડી પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી બીએમડબ્લ્યુ કારના ચાલકે એક બાઇકનાં ચાલકને હડફેટે લેતા બાઇક ચાલક દુર સુધી ફંગોળાયા હતા અને તેમને માથે, મોઢે અને શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.

આ ઘટનાને પગલે થોરાળા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા મૃતક આરએમસીના કર્મચારી હોવાનું ખુલતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો જયારે કારચાલક અને તેમા બેસેલા તેના બે મિત્રો લથડીયા ખાતા હતા. કાર ચાલક મવડીના ડો. ભગવાનજીભાઇ પટેલનો પુત્ર હોવાનું પોતે તબીબ હોવાનુ ખુલતા આરોપીને થોરાળા પોલીસે સકંજામાં લીધો હતો. કારચાલક વિરુધ્ધ મૃતકના ભાઇએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રૈયા ગામે જુના વણકર વાસમાં રહેતા અને આરએમસીમાં નોકરી કરતા જેન્તીભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ. 45) નામના આધેડ ગઇકાલે રાત્રીના સમયે પોતાની નોકરી પરથી જીજે 03 એલકે 3719 નંબરની બાઇક લઇને ભાવનગર રોડ પરથી ઘરે પરત ફરતા હતા. ત્યારે ભાવનગર રોડ અમુલ સર્કલ ચોકડી પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી જીજે 12 એકે 7785 નંબરની બીએમડબલ્યુ કારના ચાલકે ફુલ સ્પીડમાં આવી પહેલા અમુલ સર્કલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ત્યાથી અમુલ સર્કલના સરવૈયા હોલ તરફના રોડ કટીંગના ડીવાઇડર સાથે અથડાવી અને જેન્તીભાઇ રાઠોડની બાઇકને ઉલાળતા જેન્તીભાઇ બાઇક સહીત ફંગોળાયા હતા અને તેમને માથામાં કપાળમાં ગંભીર ઇજા કરતા જેન્તીભાઇનું લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.આ અકસ્માતના બનાવની જાણ થતા 108ના ઇએમટી કૌશિકભાઇ રાઠોડ અને પાયલોટ જૈમિતભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયા, ડી સ્ટાફ તેમજ પીએસઆઇ એચ.બી. વડાવીયા પણ ઘટના સ્થળે પહોંચી કારચાલકને સકંજામાં લીધો હતો.

કાર ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ લકકીરાજ ભગવાનજીભાઇ અડવાળીયા (પટેલ) (રહે. મવડી પ્લોટ સ્વાશ્રય સોસાયટી-4) વાળો હોવાનું જણાવ્યુ હતું તેમજ તેની સાથે કારમાં રહેલા ધર્મેશ કેશુ સોરઠીયા(ઉ.વ. 32) (રહે. ગાંધી સોસાયટી મવડી પ્લોટ) ને ઇજા થતા સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.બી. વડાવીયા એ મૃતક જેન્તીભાઇના ભાઇ હાર્દીકભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. 24) (રહે. રૈયા ગામ) ની ફરીયાદ પરથી આરોપી લકકીરાજ અકવાળીયા વિરુધ્ધ ફરીયાદ નોંધી સકંજામાં લઇ પુછપરછ આદરી હતી. લકકીરાજે પુછપરછમાં કબુલાત આપી હતી કે પોતે મિત્રો સાથે ફાર્મ હાઉસમાં દારુની મહેફીલ માણી ઘર તરફ રાત્રે પરત ફરતા હતા. ત્યારે કાર ફુલ સ્પીડ કરતા અકસ્માત સર્જાયો હતો.

આ સમાચારને શેર કરો