વાંકાનેરના મનજીત કુમખાણીયાએ સુરેન્દ્રનગરમાં રમાતી ‘જય હિન્દ ટ્રોફી’માં 11 વિકેટ ઝડપી.!!
મોરબીની ટીમમાં વાંકાનેરના એકમાત્ર ખેલાડી તરીકે સતત 5 વર્ષથી સ્થાન મેળવતા મનજીતની ધારદાર બોલિંગ; ગત વર્ષે પણ 8 મેચમાં 29 વિકેટ ઝડપી હતી
વાંકાનેર: ક્રિકેટના મેદાનમાં વાંકાનેરનું નામ ફરી એકવાર ઝળક્યું છે. હાલ સુરેન્દ્રનગર ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ‘જય હિન્દ ટ્રોફી’માં મોરબીની ટીમ વતી રમતા વાંકાનેરના યુવા બોલર મનજીત કુમખાણીયાએ પોતાની કાતિલ બોલિંગથી સૌના ધ્યાન ખેંચ્યા છે. મનજીતે માત્ર 2 મેચોમાં જ શાનદાર પ્રદર્શન કરતા કુલ 11 વિકેટો ઝડપી લઈને વિરોધી ટીમોના બેટ્સમેનોને ઘૂંટણીયે લાવી દીધા છે.
સતત પાંચ વર્ષથી વાંકાનેરનું એકમાત્ર પ્રતિનિધિત્વ
મનજીત કુમખાણીયાની પ્રતિભાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે છેલ્લા 5 વર્ષથી મોરબી જિલ્લાની ટીમમાં સિલેક્ટ થતો વાંકાનેરનો એકમાત્ર ખેલાડી છે. તેની મહેનત અને સાતત્યપૂર્ણ પ્રદર્શનને કારણે તે મોરબી ટીમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે.
ગત સીઝનમાં પણ રહ્યો હતો શાનદાર દેખાવ
મનજીત માત્ર આ વર્ષે જ નહીં, પરંતુ ગત વર્ષે પણ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2025માં સિનિયર અને અંડર-23 મોરબી ટીમ તરફથી રમતા તેણે 8 મેચોમાં કુલ 29 વિકેટો ઝડપી હતી. મનજીતની આ સિદ્ધિથી વાંકાનેરના રમતગમત જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
યુવા ખેલાડીઓ માટે પ્રેરણા
વાંકાનેર જેવા નાના શહેરમાંથી નીકળીને જિલ્લા કક્ષાએ અને હવે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મનજીત કુમખાણીયા અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. આગામી મેચોમાં પણ તે આવું જ પ્રદર્શન જાળવી રાખશે તેવી આશા રમતપ્રેમીઓ રાખી રહ્યા છે.

