વાંકાનેરમાં સોનાની બુટ્ટી ચોરનાર મહિલા-પુરુષ ઝડપાયા

મેઈન બજારની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી ₹81,400ની સોનાની બુટ્ટી ચોરી હતી

વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરી કરી ફરાર થયેલી મહિલા અને પુરુષને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરાયેલો સોનાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરની મેઈન બજારમાં આવેલી દ્વારકાધીશ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તા. 15 ઓગસ્ટના રોજ એક મહિલા અને એક પુરુષ ગ્રાહકના બહાને આવ્યા હતા. બંનેએ દાગીના જોવાનું કહી દુકાનદાર કાનાભાઈ જોધાભાઈ ડાભીને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. દરમિયાન વેપારીની નજર ચૂકવીને બંનેએ ₹81,400ની કિંમતની સોનાની એક જોડી બુટ્ટી ચોરી કરી હતી અને ત્યાંથી નાસી ગયા હતા.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અમરસર ફાટક નજીકથી ચોરીમાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી સોનાની બુટ્ટી પણ રિકવર કરી લીધી હતી.

પોલીસે ઝડપેલા આરોપીઓમાં સંજયભાઈ કનુભાઈ વાળા (ઉ.વ. 32), મૂળ પાણવી, તા. રાણપુર, જિ. બોટાદ અને હાલ ખોડીયારનગર, બોટાદ તથા હર્ષાબેન જયેશભાઈ દયારામભાઈ ચૌહાણ (ઉ.વ. 41), મૂળ વસ્તડી, તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર અને હાલ મંગળપરા હીપલી, બોટાદનો સમાવેશ થાય છે.

એકલા દુકાનદાર હોય તેવી દુકાનોને બનાવતા નિશાન

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓની ચોરી કરવાની રીત પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બેલડી ખાસ કરીને એવી સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવતી હતી જ્યાં એક જ દુકાનદાર હાજર હોય.

બંને આરોપીઓ ગ્રાહક બની દાગીના જોવાનું શરૂ કરતા અને વાતચીતમાં દુકાનદારને વ્યસ્ત રાખતા હતા. દુકાનદારનું ધ્યાન અન્યત્ર જાય તે દરમિયાન તકનો લાભ લઈ દાગીનાની ચોરી કરી બંને ત્યાંથી નીકળી જતા હતા. વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on