થાનગઢમાં કાર્બોસેલ વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું: મૃતક લીઝ હોલ્ડરના નામે બોગસ રોયલ્ટી પાસ!
ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે હાઇવે પરથી શંકાસ્પદ ટ્રક પકડી પાડ્યો; કરોડોની ખનીજચોરી પર તવાઈ
થાનગઢ/ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ-મુળી વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજચોરી પર ડેપ્યુટી કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન કાર્બોસેલ ભરેલો એક ટ્રક રોકી તપાસ કરતા ખનીજ ચોરીનું એક નવતર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
📜 મૃતકના નામે રોયલ્ટી પાસ રજૂ કરાયો
ચોટીલા હાઇવે પરથી પસાર થતી વખતે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ કાર્બોસેલ ભરેલા ટ્રકને રોકીને રોયલ્ટી પાસની માંગણી કરી હતી. ડ્રાઇવરે રજૂ કરેલા રોયલ્ટી પાસની ઝીણવટભરી તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો.
ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, આ રોયલ્ટી પાસ થાનગઢના સરકારી સર્વે નંબર 209 વાળી જમીનની મૃતક લીઝ હોલ્ડર સચદેવ હસમુખભાઇ કલ્યાણભાઈના નામનો હતો. મૃતકના નામની લીઝનો પાસ રજૂ થતા અને આ રોયલ્ટી પાસ પોતે અગાઉ બંધ કરાવેલ હોવાથી ડેપ્યુટી કલેક્ટરને તે બોગસ હોવાની શંકા ગઈ હતી, જેના પગલે તેમણે તાત્કાલિક કાર્બોસેલ ભરેલા ટ્રકને સીઝ કરી દીધો હતો.
⛏️ સ્થળ તપાસમાં અન્ય જગ્યાએથી ખોદકાણનો ખુલાસો
રોયલ્ટી પાસની બોગસ હોવાની શંકાના આધારે ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક રોયલ્ટી પાસમાં દર્શાવેલી જગ્યાની સ્થળ તપાસ કરી હતી. સ્થળ પર તપાસ કરતા ત્યાં જૂના 25 જેટલા ખોદેલા કૂવા જોવા મળ્યા હતા, પરંતુ હાલમાં ત્યાં કાર્બોસેલનું કોઈ ખોદાણ થયું ન હોવાનું જણાયું હતું.
આના પરથી સ્પષ્ટ થયું કે, આ કાર્બોસેલ અન્ય જગ્યાએથી ગેરકાયદેસર રીતે ખોદીને મૃતકના બંધ કરાયેલા રોયલ્ટી પાસનો ઉપયોગ કરીને વેચવામાં આવી રહ્યો હતો.
📝 ખાણખનીજ વિભાગને તપાસનો રિપોર્ટ
ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ સમગ્ર કૌભાંડની ગંભીરતા જોતાં સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગને તપાસ માટે સત્તાવાર રિપોર્ટ મોકલી આપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાંથી રોયલ્ટી રજૂ કરાઈ હતી તે જગ્યામાં કાર્બોસેલ જ નથી, તેથી આ રોયલ્ટી બોગસ હોવાનું દેખાતા કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખનીજ માફિયાઓના આ નવા પેંતરાને ઝડપી પાડી ગેરકાયદેસર ખનીજચોરી પર તવાઈ બોલાવવામાં આવી છે.
