એક્સિડન્ટે પોલ ખોલી નાખી!: પ્રેમી-પંખીડાની કાર પલટી ખાતા પ્રેમિકા ઈજાગ્રસ્ત,પ્રેમી વિરુદ્ધ ફરિયાદ.
ચોટીલા તાલુકાના એક ગામે રહેતી યુવતીને તેના કુટુંબી કાકા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારે ગામમાં એક લગ્ન પ્રસંગમાં બન્ને ભેગા થયા હતા અને કારમાં બેસી રાજપરા તરફ જતા હતા. ત્યારે અચાનક કાર પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો. જેમાં યુવતીને ઈજા થતા રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બનાવની પ્રેમી સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ચોટીલા તાલુકાના એક ગામે રહેતી 25 વર્ષીય યુવતીને આશરે ત્રણેક વર્ષથી તેના કુટુંબી કાકા સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને વોટસએપ અને શેરચેટથી અવારનવાર મેસેજથી વાતો કરતા હતા. ત્યારે ગામમાં જ એક લગ્ન હોવાથી આ યુવતી ત્યાં ગયા હતા અને લગ્ન હોવાથી તેઓએ તેના પ્રેમી કાકાનો નંબર બ્લોક કર્યો હતો. ત્યારે લગ્નમાં પ્રેમી પણ આવી નંબર અનબ્લોક કરવાનું કહેતા પ્રેમિકાએ નંબર અનબ્લોક કર્યો હતો અને થોડીવાર બાદ પ્રેમીએ ફોન કરી રાજપરા રોડે હું કાર લઈને ઉભો છુ, આવ તેમ કહેતા પ્રેમિકા ત્યાં ગયા હતા.
આ દરમિયાન કાર પ્રેમી ચલાવતો હતો અને ડ્રાઈવરની સીટની બાજુમાં અન્ય શખ્સ બેઠો હતો. પ્રેમીએ કારમાં બેસવાનું કહેતા પ્રેમિકા પાછળની સીટમાં બેઠા હતા. બાદમાં રાજપરા તરફ જતી વખતે પ્રેમીએ કાર બેફીકરાઈથી ચલાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રેમિકાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ દવાખાને લઈ જવાયા હતા. આ બનાવની ચોટીલા પોલીસ મથકે પ્રેમી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.