સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાય તેવી વકી, હજુ પંચની કાર્યવાહી બાકી
ગુજરાતમાં રાજકીય લોકો જેની રાહ જોઇ રહ્યાં છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરી પહેલાં યોજાય તેવી કોઇ સંભાવના દેખાતી નથી, કારણ કે 27 ટકા ઓબીસી અનામત બેઠકો અને વોર્ડરચનાનું ફાઇનલ નોટિફિકેશન બાકી છે જ્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે તે સંસ્થાની મતદાર યાદીઓનું કામ હજી સુધી શરૂ થઇ શક્યું નથી.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઇ શકી નથી. અદાલતી આદેશને પગલે આ ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામત દાખલ કરવામાં આવી હોવાથી શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગમાં નોટિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. થોડાં સમય પહેલાં ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઇલન નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાય તેવી વકી
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગો તરફથી અમને ફાઇનલ નોટિફિકેશન મળી જાય તે પછી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે અને આ પ્રક્રિયા એક મહિનાથી દોઢ મહિના સુધીનો સમય લઇ શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ જાહેરાત કરશે. એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આ ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે.
મુદ્દત વિતી ગઇ હોય તેવી પાલિકા અને પંચાયતો ઉપરાંત શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે પછીની કોઇપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને 14 ટકા એસટી અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો રહેશે.