Placeholder canvas

મોરબી અને વાંકાનેરના રેલવે સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનો વેચી શકાશે.

રાજકોટ રેલવે ડિવિઝન હવે 15 સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે

વાંકાનેર: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ, રાજકોટ સ્ટેશન પર ટેરાકોટા માટીના વાસણોનું સ્ટોલ 8 મે, 2022 સુધી શરૂ કરવામાં આવ્યો છે. હવે રેલવે બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ, આ યોજના ડિવિઝનના અન્ય સ્ટેશનો પર પણ લંબાવવામાં આવી રહી છે જેના લીધે નાના ઉદ્યોગકારોને તેમના વેપાર વધારવાની સોનેરી તક મળશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર આવા સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં રાજકોટ, ભક્તિનગર, મોરબી, થાન, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાટિયા, મીઠાપુર, પડધરી અને કાનાલુસનો સમાવેશ થાય છે. આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે વિવિધ વિક્રેતાઓને નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. આ સ્ટોલ પર હસ્તકલા, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો ઉપરાંત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદક, ડેવલપમેંટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારક, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલા આદિવાસી કારીગરો /વીવર્સ વગેરે અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર, કોમર્સ વિભાગ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટની ઓફિસમાં ડિવિઝનલ કેટરિંગ ઈન્સ્પેક્ટર વિશાલ ભટ્ટ (મોબાઈલ નં: 9724094978) નો સંપર્ક કામકાજના દિવસોમાં સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાય છે. ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ‘ યોજના હેઠળ સ્ટોલ માટેની અરજીઓ 02.05.2022 સુધી સ્વીકારવામાં આવશે.

આ સમાચારને શેર કરો