વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની ગૌરવવંતી સિદ્ધિઓ

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ડઈબેન ચૌધરીનું સન્માન, 100 ટકા પરિણામ બદલ આચાર્ય અને સંચાલક મંડળનું પણ સન્માન

વાંકાનેર: શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય, વાંકાનેર શિક્ષણની સાથે સંસ્કાર, ગુણવત્તા અને શ્રેષ્ઠ પરિણામ માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવવાની ગૌરવપૂર્ણ સિદ્ધિનો પણ સમાવેશ થાય છે.

શૈક્ષણિક વર્ષ 2025-26માં યોજાયેલી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ પરીક્ષામાં શાળાએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા પરિવારને સન્માનપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

શાળાની આ સફળતા પાછળ શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીનીઓની મહેનત, વાલીઓનો સહકાર તેમજ ટ્રસ્ટી મંડળનું માર્ગદર્શન અને પ્રેરણા મહત્વપૂર્ણ રહ્યા છે. શાળાએ માત્ર પરિણામમાં જ નહીં પરંતુ વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ અને સંસ્કાર ઘડતરમાં પણ સતત પ્રયાસો કર્યા છે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શાળાના અનુભવી શિક્ષક ડઈબેન લવજીભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, નિષ્ઠા અને વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસમાં આપેલા નોંધપાત્ર યોગદાન બદલ મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને એસ.પી. મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડઈબેન લવજીભાઈ ચૌધરીને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના 100 ટકા પરિણામ બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ સંચાલક મંડળના અમરશીભાઈ મઢવી અને કલ્પેંદુભાઈ મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાની આ સિદ્ધિ અંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, એ.આઈ. ધર્મિષ્ઠાબેન કડીવાર, વાંકાનેર ઈ.આઈ. બાદી તેમજ ટી.પી.ઓ. રાઠોડ સહિતના અધિકારીઓએ શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સન્માન માત્ર એક શિક્ષક કે શાળાની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. શાળાના દરેક શિક્ષકની સેવાભાવના, સતત મહેનત અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મળેલું આ સન્માન અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સતત 100 ટકા પરિણામ તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ—આ ત્રણેય સિદ્ધિઓ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, ટીમવર્ક અને સંસ્કારસભર વાતાવરણનું પ્રતિબિંબ છે. શાળાની આ સિદ્ધિઓથી વાંકાનેર તાલુકાની ગ્રાન્ટેડ શાળાઓમાં શાળાનું ગૌરવ વધ્યું છે અને મોરબી જિલ્લામાં પણ વાંકાનેરનું નામ ઉજાગર થયું છે.

“પરિણામ માત્ર આંકડો નથી, પરંતુ સંકલ્પ, સંઘર્ષ અને સંયુક્ત પ્રયત્નોની સફળતાનું પ્રતિબિંબ છે.”

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને શિક્ષણ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

Follow Us on