માળીયા મિયાણા

માળિયા મિયાણા પોલીસની મોટી કાર્યવાહી: પશુ આહારના ભુસાની આડમાં લઈ જવાતો ₹૨૧ લાખનો દારૂ ઝડપાયો

માળિયા મિયાણા: માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પશુઓને ખાવાના ભુસાના બાચકાની આડમાં સંતાડીને લઈ જવાતો ૬૬૭૨ નંગ ઈંગ્લીશ દારૂ અને ટ્રક મળી કુલ ₹૪૦,૧૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને જેલહવાલે કર્યો છે.

ચુસ્ત વોચ અને સફળ ઓપરેશન
પોલીસ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક (નંબર-RJ-36-GA-9858) દારૂનો જથ્થો ભરીને ગાંધીધામ, કચ્છ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે આશીષ હોટલ સામે નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મુદ્દામાલની વિગત
તલાશી દરમિયાન ટ્રકમાં ઉપરના ભાગે પશુ આહારના ભુસાના બાચકા રાખવામાં આવ્યા હતા, જેની નીચે છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૬૬૭૨ બોટલો મળી આવી હતી.
દારૂની કિંમત: ₹૨૧,૦૭,૨૦૦/-
ટ્રકની કિંમત: ₹૧૯,૦૦,૦૦૦/- (અંદાજિત)
કુલ મુદ્દામાલ: ₹૪૦,૧૬,૨૦૦/-
રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

આ મામલે પોલીસે ટ્રક ચાલક દરીયાવસિંહ લખાસિંહ રાવત (રહે. બીલીયાવાસ, તા. બાર શેખાવાસ, જી. બ્યાવર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો