વાંકાનેર બાઉન્ડ્રી પર પોલીસની મોટી કાર્યવાહી: ટ્રકમાંથી કરોડોનો દારૂ ઝડપાયો
૧.૯૩ કરોડના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ, કુલ ૨.૧૮ કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી/વાંકાનેર: રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી ‘સુગર એન્ડ સ્પાઇસ’ હોટલ પાસે મોરબી જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ૩૧,૭૫૨ બોટલ દારૂ અને બિયર સાથે રાજસ્થાનના એક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે સજ્જ પોલીસનું ઓપરેશન
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઈ એમ.પી. પંડ્યાને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક મારફતે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાજકોટ તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ ટ્રક (નંબર RJ 14 GP 4506) ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
મુદ્દામાલની વિગતો:
પોલીસે ટ્રકમાંથી દારૂ અને બિયરની ૩૧,૭૫૨ બોટલો કબજે કરી છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે:
દારૂ-બિયરનો જથ્થો: ૧,૯૩,૪૭,૩૬૦ રૂપિયા
ટ્રક (વાહન): ૨૫,૦૦,૦૦૦ રૂપિયા
રોકડ રકમ: ૩,૨૦૦ રૂપિયા
મોબાઇલ ફોન: ૫,૦૦૦ રૂપિયા
કુલ કિંમત: ૨,૧૮,૫૫,૫૬૦ રૂપિયા
મુખ્ય આરોપી જેલ હવાલે, અન્યની શોધખોળ
આ કેસમાં પોલીસે હાલ આરોપી લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી ઉપરાંત આ દારૂનો જથ્થો મોકલાવનાર, મંગાવનાર અને વાહન માલિક સહિત તપાસમાં જેમના નામ ખુલશે, તે તમામ વિરુદ્ધ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

