તાલુકા અને સીટી પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના 10 ગુનામાં જપ્ત કરાયેલી 14,865 બોટલો પર રોડરોલર ફેરવાયું
વાંકાનેર પંથકમાં પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા રૂ. 29.58 લાખની કિંમતના વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં હજારો દારૂની બોટલો પર રોડરોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા કુલ 10 ગુનાઓમાં પોલીસે વિદેશી દારૂની કુલ 14,865 નાની-મોટી બોટલો જપ્ત કરી હતી. આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. 29,58,038 થતી હતી.
જપ્ત કરવામાં આવેલા આ મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે SDM ગોહિલ, DySP સમીર સારડા, પીઆઈ બી.વી. પટેલ, પીઆઈ ગામિત સહિત પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓની રૂબરૂ દેખરેખ હેઠળ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી વિદેશી દારૂની તમામ 14,865 બોટલો પર રોડરોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આમ, વાંકાનેર પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો એકસાથે નિકાલ કરવામાં આવ્યો હતો.
#વાંકાનેર #વિદેશીદારૂ #પ્રોહિબિશન #વાંકાનેરપોલીસ #દારૂનોનાશ #કપ્તાનન્યૂઝ
