વાંકાનેર: વરડુસર ગામે ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ
વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જમીન માલિકના કુલ મુખ્યત્યાર પાસેથી જમીન ખરીદ કર્યા બાદ કાનૂની વિવાદ ઉભો કરી આ જમીન ઉપર કબ્જો ખાલી નહિ કરનાર મૂળ માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે વર્ષ 2008માં વાંકાનેરના દિવાનપરામાં રહેતા ભરતભાઇ કાનજીભાઇ સુરેલાએ મગનભાઇ ખોડાભાઇ સેટાણીયા, રૂપાબેન મગનભાઇ સેટાણીયા અને મનસુખભાઇ મગનભાઇ સેટાણીયા રે.બધા વરડુસર વાળાના કુલમુખ્યત્યાર પાસેથી વરડુસર ગામના સર્વે નં.૨૫૧/૧ પૈ.૨૫ વાળી હે.૦-૮૦-૯૪ ની આશરે ૫ વીધા જેટલી જમીન વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદ કરી હતી.
જો કે ત્યાર બાદ ઉપરોક્ત જમીનનો કબ્જો નહિ છોડી આરોપી મગનભાઇ ખોડાભાઇ સેટાણીયા, રૂપાબેન મગનભાઇ સેટાણીયા અને મનસુખભાઇ મગનભાઇ સેટાણીયાએ કાનૂની વિવાદો ઉભા કરી અરજીઓ કરતા તમામ જગ્યાએ આરોપીઓની હાર થઈ હતી અને નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા પણ આરોપીઓની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં જમીનનો કબ્જો નહિ છોડતા અંતે આ મામલે ફરિયાદી ભરતભાઈએ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ અરજી કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.