મોરબીવાંકાનેરહળવદ

મોરબી બાયપાસ માટે જમીન સંપાદન પ્રક્રિયાનો પ્રારંભ, કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 (NH-27) પર પ્રસ્તાવિત મોરબી બાયપાસના વિકાસ માટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. તા. 16 જૂન, 2026ના રોજ ભારતના રાજપત્ર (Gazette of India)માં જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંબંધિત જમીન સંપાદિત કરવાની મનશા જાહેર કરવામાં આવી છે.

જાહેરનામા મુજબ બાયપાસ માટે કિમી 0 થી 51.128 સુધીના વિસ્તારમાં આવતી જમીનો સંપાદિત કરવામાં આવશે. આ વિસ્તારમાં હળવદ તાલુકાના ડુંગરપુર, માણેકવાડા, રતાભે અને શિવપુર, મોરબી તાલુકાના અંદરાણા, ગાળા, હરિપર, જીવાપર, કેરાળા, ખરેડા, નીચી માંડલ, શાપર અને વાંકડા, તેમજ વાંકાનેર તાલુકાના આણંદપર, ભીમગુડા, ભોજપરા, જાંબુડિયા ભાયાતી, જામસર, મક્તાનપર, ઓળ, પડઘરા, વાઘાસિયા અને વિઠ્ઠલપર સહિતના ગામોની જમીનનો સમાવેશ થાય છે.

જાહેરનામા અનુસાર, જે કોઈ જમીનધારક અથવા રસ ધરાવતી વ્યક્તિને આ સંપાદન અંગે વાંધો હોય તેઓ ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 21 દિવસની અંદર લેખિતમાં સક્ષમ અધિકારી (SLAO, કલેક્ટર કચેરી, મોરબી) સમક્ષ પોતાનો વાંધો રજૂ કરી શકશે. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા સુનાવણી કરીને નિયમ મુજબ નિર્ણય લેવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં મોરબી શહેરમાંથી પસાર થતા ભારે વાહનવ્યવહારનું ભારણ ઘટશે અને હળવદ, વાંકાનેર તથા આસપાસના વિસ્તારોને વધુ ઝડપી અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://chat.whatsapp.com/4PvZaYIXitZ4PpxXWvULp9?mode=gi_t

ગામ અને સર્વે નંબર જાણવા માટે નીચેની આપેલ ડાઉનલોડ પર પ્રેસ કરો.

આ સમાચારને શેર કરો