Placeholder canvas

આ ટીટોડીએ તો ભારે કરી ! મચ્છુ -1 ડેમના પાળી ઉપર ઈંડા મૂક્યા…!!

બે ઉભા અને બે ઈંડા આડા મુકતા આગોતરી વાવણી અને પાછોતરા વરસાદના એંધાણ વ્યક્ત કરતા જાણકારો

સામાન્ય રીતે વૈશાખ મહિનાના અંત ભાગમાં જ ટીટોડી ઈંડા મુકતી હોય છે પરંતુ આ કળિયુગમાં દરેક પ્રાણી, પક્ષીના પ્રજનનના નિયમો જાણે બદલાઇ ગયા હોય તેમ ટીટોડી પણ આગોતરા ઈંડા મુકવા લાગી હોવાની અનેક ઘટના વચ્ચે આજે મોરબી જિલ્લામાં વાંકાનેરના જળસીકા ગામ પાસે આવેલા મચ્છુ-1 ડેમના બંધાર એટલે કે મુખ્ય પાળા ઉપર ટીટોડીએ ઈંડા મુક્યા હોવાનું મચ્છુ -1ના અધિકારી દ્વારા જાહેર કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ મચ્છુ – 1 ડેમના ઓવરફ્લો બંધારા ઉપર આજે ટીટોડીએ ચાર ઈંડા મુક્યાં હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી વી.એચ.ભોરણીયાએ જાહેર કર્યું છે. જૂની લોકમાન્યતા મુજબ ટીટોડી ઉંચા સ્થાને ઈંડા મૂકે તો ભરપૂર વરસાદ થાય તેવી લોકવાયકા છે અને ઈંડા મુકવાનું સ્થાન તેમજ ઇંડાની સ્થિતિ જોઈ વરસાદનો વરતારો કરવામાં આવે છે ત્યારે મચ્છુ ડેમની પાળીએ ટીટોડીએ બે ઉભા અને બે આડા ઈંડા મુક્યા હોય વરસાદનો વરતારો કાઢનાર જાણકારો પણ માથું ખજવાળી રહ્યા છે.

ટીટોડીએ મચ્છુ ડેમના પાળે બે ઈંડા ઉભા અને બે ઈંડા આડા એમ ચાર ઈંડા વૈશાખ મહિનામાં મુક્યા હોય જાણકાર સૂત્રોએ વાવણી આગોતરી થાય અને પાછોતરો વરસાદ થાય તેવા એંધાણ આપી મચ્છુ 1 ડેમ ઉપર ના ગ્રામ્ય વિસ્તારમાં ઓણ સાલ જોઈએ એવો મેહુલિયો વરહસે નહી જેથી કદાચ ચોમાસાના છેલ્લા દિવસો સુધી ડેમ ઓવરફલો થશે નહી તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.

જો કે, વરસાદ વરસવો એતો કુદરતના હાથમાં છે છતાં પણ વર્ષોના અનુભવના નિચોડ અને પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના સંકેતોને કળી હવામાન વિભાગની જેમ જ વરસાદની આગાહી કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે ત્યારે મચ્છુ-1 ડેમ ઉપર ટીટોડીએ મુકેલા ઇંડાથી ઓણ કેવો વરસાદ વરસે છે તે જોવું રહ્યું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો

આ સમાચારને શેર કરો