કુવાડવામાં ભૂખ્યા ડાહ ચોર ત્રણ દુકાનમાંથી લાડવા અને ગાંઠિયા ચોરી ગયા!

અગાઉ પણ બજારમાં 12 જેટલી નાની મોટી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી:મોટી રકમ ન જતા ફરિયાદ ન નોંધાઈ

કુવાડવાની બજારમાં આવેલી ઓફિસમાં ફરી તસ્કરો મધરાતે ત્રાટક્યા હતા અને ત્રણ દુકાન અને એક મંદિરમાં ચોરીનો પ્રયાસ કર્યા હતા.ફરસાણની દુકાનમાંથી તસ્કરો ગાંઠિયા,લાડવા અને પાપડી સહિતનો નાસ્તો ઉઠાવી ગયા હતા.તસ્કરો પોતાની સાથે પથ્થરો ભરેલી થેલી લઇને ચોરી કરવા ઘૂસ્યા હતા.

કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો પથ્થરમારો કરવાની તસ્કરોએ તૈયારી પણ રાખી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.જો કે અંગે કોઈ મોટી મતા ચોરાઈ ન હોય માટે કુવાડવા પોલીસમાં ફરિયાદ થઈ નહોતી.બનાવની વિગતો અનુસાર,કુવાડવામાં રવિવારે સવારે વેપારી પહોંચ્યા ત્યારે ત્રણ દુકાનના શટર તૂટેલા જોવા મળ્યા હતા.એટલું જ નહીં પરંતુ દૂધાત્રા પરિવારના મઢમાં પણ ચોરીનો પ્રયાસ થયાનું જાણવા મળી રહ્યા હતા.ત્યાં બજારમાં લોકો એકઠા થઈ જતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં શનિવારે રાત્રે 3 વાગ્યે ચાર શખ્સ બજારમાં ચોરી કરવા ઘુસ્યા હતા તેમની પાસે થેલી હતી જેમાં પથ્થરો હતા.

મોબાઇલની અને ફરસાણ સહિત ત્રણ દુકાનના શટર તોડી તસ્કરો અંદર જઈ ફરસાણની દુકાનમાંથી લાડવા,ગાંઠિયા અને પાપડીનો નાસ્તો તસ્કરો લઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે,અગાઉ એકાદ મહિના પહેલા પણ કુવાડવાની બજારમાં તસ્કરો હાથફેરો કરવા ત્રાટકયા હતા અને જેમાં એક મહિલા સામાજિક અગ્રણીની દુકાન સહિત 12 જેટલી દુકાનોને નિશાન બનાવી રૂ.3000 જેટલી રકમની ચોરી કરી એક ફરસાણની દુકાનમાંથી ગાંઠિયા અને ફાફડા લઈ ગયા હતા.જોકે ત્યારે કોઈ પોલીસ ફરિયાદ થઈ નહોતી.

આ સમાચારને શેર કરો