Placeholder canvas

કુવાડવા ગામે ગત રાત્રે લૂંટારુ ટોળકી દ્રારા રૂ.10.87 લાખની રોકડ તેમજ સોનાના ઘરેણાંની લૂંટ…

કુવાડવા ગામે ગત મોડી રાતે લૂંટારુ ટોળકીએ ધાકધમકી આપી બે મકાનના માલિકોને પૂરી દઇ કુલ રૂ.10.87 લાખની રોકડ તેમજ સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી નાસી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કુવાડવાની શિવધારા સોસાયટી-1માં રહેતા મીના ભરતભાઇ વરમોરા નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.11ની રાતે પતિના મિત્ર જીતેશ નારણભાઇ ઉધરેજિયા સાથે જમીને સૂઇ ગયા હતા. રાત્રીના બે વાગ્યાના અરસામાં કોઇએ જોરજોરથી દરવાજો ખટખટાવતા અમે બંને જાગી ગયા હતા.

ઊભા થઇ દરવાજા પાસે પહોંચીએ તે પહેલાં જ મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સ દરવાજાના નકૂચા તોડી ઘરમાં ઘૂસી આવ્યા હતા. બાદમાં બીજા ત્રણ શખ્સ પણ ધસી આવ્યા હતા. બધા પાસે ધોકા, સળિયા, ડિસમિસ જેવા હથિયારો હતા. અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવતાની સાથે જ પોતે બૂમાબૂમ કરતા એક શખ્સે પોતાને શાનુ મુની બંધ થા, અવાજ કરતી નહિ નકર મારી નાખીશું કહી પહેરેલા ઘરેણાં કાઢી આપવા કહ્યું હતું. જેથી કાનની બૂટી કાઢી આપી હતી. બાદમાં પોતાનો તેમજ જીતેશનો મોબાઇલ લઇ જીતેશને નવેળામાં પૂરી દેકારો કરશો તો મારી નાખીશુંની ધમકી આપી હતી.

છ બુકાનીધારી શખ્સે ઘરમાં તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ કરી નાખી હતી. ત્યાર બાદ મહામહેનતે જીતેશ નવેળામાંથી છત પર જઇ ઘર ખોલ્યું હતું. ઘરમાં તપાસ કરતા જુદા જુદા જગ્યાએ રાખેલા રોકડા 60 હજાર, ચાંદીના સાંકળા, સોનાનો ચેઇન મળી કુલ રૂ.1.07 લાખની મતા લૂંટી નાસી ગયા હતા. ધાકધમકી આપી લૂંટ ચલાવી લૂંટારાઓ નાસી ગયા બાદ ઘરની બહાર આવતા બાજુમાં જ રહેતા બસ્તીરામ જુમરરામ ચૌધરી અને સોસાયટીના અન્ય લોકો બહાર ઊભેલા જોવા મળ્યા હતા. જેથી તેમને પૂછતા તેમના ઘરે પણ છ શખ્સ ધોકા, સળિયા સાથે આવી દરવાજો ખટખટાવ્યો હતો.

પરંતુ પોતે બીકના માર્યા છત ઉપર જતો રહ્યો હતો. આ સમયે છએય શખ્સોએ મકાનના દરવાજા તોડી ઘરમાં રહેલા કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂ.9.80 લાખ તેમજ શેઠના તેમની પત્નીના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો લૂંટી ગયાનું જણાવ્યું હતું. આમ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવી લૂંટનો બનાવ બનતા કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

ઇન્ચાર્જ પીઆઇ કે.જે.રાણાના જણાવ્યા મુજબ, જે મકાનમાંથી રોકડ ચોરાઇ છે તે બસ્તીરામ સળિયાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અને શુક્રવારે જ કંપનીના કર્મચારીઓને પગાર કરવા માટે બેંકમાંથી રકમ ઉપાડી હતી. પોલીસે હ્યુમન સોર્સિશથી તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા તપાસ શરૂ કરી છે. પીઆઇ રાણાના જણાવ્યા મુજબ, લૂંટના બંને બનાવમાં લૂંટારુ ટોળકીએ મકાનમાલિકને પૂરી દઇ લૂંટ ચલાવી હોય આવી ટેવ ધરાવતી ટોળકી તરફ તપાસ શરૂ કરાઇ છે.

આ સમાચારને શેર કરો