વાંકાનેર: કુંભારપરામાં ઘરમાં ઘૂસી 6 શખ્સો દ્રારા લાકડી, પાઇપ તથા છરી વડે હુમલો…
વાંકાનેર: કુંભારપરા વિસ્તારમાં બજારમાં પાનની દુકાને યુવાનો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી છ શખ્સોએ કુંભારપરા ખાતે રહેતા આધેડ ઉંમરના દંપતિ પર ઘરમાં ઘૂસી લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે જીવલેણ હુમલો કરી માર મારતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી ગયો હતો.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) ગતરાત્રીના પોતાના ઘરે પત્ની નૈનાબેન સાથે ટીવી જોતા હોય, ત્યારે અચાનક આરોપી કૌશીકભાઈ ધીરૂભાઈ રાઠોડ, કુલદીપભાઈ કાળુભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા ત્રણ અજાણ્યા શખ્સો તેમના ઘરે હાથમાં લાકડાંના ધોકા, લોખંડના પાઇપ તછા છરી સહિતના હથિયારો સાથે આવી ‘ તારો દિકરો પ્રભાત ક્યા છે ?, તેણે અમારા કુટુંબી જીવણભાઈને માર મારેલ છે ‘ તેમ કહી તમામ આરોપીઓ એકસંપ કરી બંને પતિ-પત્ની પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી હાથે, પગે, માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા દંપતી બેભાન થઈ ગયાં હતાં. જે બાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી જતાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે કોઇ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.


