રાજકોટ: શેઠ હાઈસ્કૂલમાં સોમવારે ‘ક્રિષ્ના મહિલા રાસોત્સવ’, સર્વ ધર્મની મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ
રાજકોટ: શરદપૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ક્રિષ્ના મહિલા રાસોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ, આ રાસોત્સવ સોમવારે, તારીખ ૦૬/૧૦/૨૦૨૫ ના રોજ શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, બગીચા સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સર્વ ધર્મ અને કોઈ પણ સમાજની તમામ મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. નાત-જાતના ભેદભાવ વગર, પાંચ વર્ષની નાની બાળાઓથી લઈને ૮૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન મહિલાઓ પણ કોઈપણ ફી વિના આ પ્રાચીન રાસોત્સવમાં હોંશભેર ભાગ લઈ શકશે.
કાર્યક્રમની વિગતો અને પાસ વિતરણ
સમય: રાત્રે ૮:૦૦ કલાકે નાની બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરદોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
માર્ગદર્શન: આ રાસોત્સવ શ્રી નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્દ્ર ભાઈ સોલંકી), મહંત શ્રી આપાગીગા નો ઓટલો, ચોટીલાના આશીર્વચન હેઠળ યોજાય છે.
ઈનામ વિતરણ: રાસોત્સવના અંતે નિર્ણાયકો દ્વારા પસંદગી પામેલી ચિલ્ડ્રન, યુવા અને સિનિયર સિટીઝન મહિલાઓને દાતાઓના સહયોગથી ગિફ્ટ (ભેટ) આપવામાં આવશે.
કાર્યક્રમમાં પ્રવેશ માટેના નિઃશુલ્ક પાસનું વિતરણ આવતીકાલે, તારીખ ૦૫/૧૦/૨૦૨૫ ને રવિવારના રોજ કરવામાં આવશે. પાસ મેળવવા ઇચ્છુક બહેનોએ શેઠ હાઈસ્કૂલના ગેટ પરથી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૧૦ દરમિયાન ‘વહેલો તે પહેલાના ધોરણે’ ફક્ત બહેનોને જ પાસ મેળવી લેવા વિનંતી કરાઈ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા સહિત અનેક અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. ભૂતકાળમાં ધારાસભ્યો, મંત્રીઓ અને રાજકીય-સામાજિક આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારી છે.

