વાંકાનેર: જમાઈ સાસુના ઘરમાં તૂટી પડ્યો, માતા, પુત્ર અને પુત્રવધૂને છરી ઝીંકી…

પ્રેમલગ્ન કરનાર જમાઈએ સાસરી પક્ષના ઘરમાં આતંક મચાવ્યો: માતા, પુત્ર અને પુત્રવધૂને છરીના ઘા ઝીંક્યા

વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રેમલગ્ન કરનાર એક શખ્સે તેની પત્ની દીકરીને લઈને પિયર જતી રહેતા, સાસુના ઘેર પહોંચી ભારે હંગામો મચાવ્યો હતો અને સાસુ, પુત્ર તથા પુત્રવધૂને છરીના ઘા મારી ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગેની વિગતો મુજબ, વાંકાનેરના મચ્છુ નદીના કાંઠે આવેલા નવાપરા ખડીપરામાં રહેતા માણેકબેન વેરસીભાઈ મીઠાપરાએ આરોપી અનવર ઉર્ફે જુમો કાળુભાઇ શેખ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માણેકબેનની પુત્રી સાથે આરોપી અનવરે પ્રેમલગ્ન કર્યા હતા. પત્ની સાથે બોલાચાલી ઝઘડો થતાં તેમની દીકરી ભારતી છ માસની પુત્રીને લઈને પોતાના પિયર જતી રહી હતી.

તા. 14ની રાત્રિના સમયે આરોપી અનવર માણેકબેનના ઘેર પહોંચ્યો હતો અને દરવાજાને પાટા મારી “મારી દીકરી ક્યાં છે” કહી ઘરમાં આતંક મચાવ્યો હતો. આ દરમિયાન તેણે માણેકબેનને છરીના ઘા ઝીંકી દીધા હતા. માતાને બચાવવા માટે તેમનો પુત્ર અને પુત્રવધૂ વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ માર મારી છરીના ઘા માર્યા હતા.

છરીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો