skip to content

પાંચ સંતાનોના પિતાએ રસ્તે જતી કિશોરીને બથ ભરી લીધી…

રાજકોટ, : રાજકોટમાં બાળકો પર જાતિય અત્યાચારનાં ગુના અટકવાનું નામ નથી લઇ રહ્યા. મૂળ પશ્ચિમ બંગાળની 13 વર્ષની કિશોરીને મૂળ પશ્ચિમ બંગાળનાં જ અને હાલ બોઘાણી શેરીમાં રહેતા પાંચ સંતાનોના પિતા અનવરઅલી કોસોમુદ્દીન ઓસ્ટાગર (ઉ.વ. 43)એ બથ ભરવાનો પ્રયાસ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પિડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પરિવાર મૂળ પશ્ચિમ પંગાળનો છે. ત્રણેક માસથી જ રાજકોટ રહેવા આવ્યા છે. સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. તેનો પતિ કેળાની સાથે નાસ્તાનું ટેબલ રાખી ધંધો કરે છે. તેનો પતિ પુત્ર, પુત્રીને નાસ્તાના ટેબલે બેસાડી ઘરે શાક લેવા આવ્યો હતો. શાક લઇ પરત ટેબલે ગયા બાદ પુત્ર, પુત્રીને સાયકલ પર ઘરે રવાના કર્યા હતાં. ઘરે આવી તેની 13 વર્ષની પુત્રી રડવા લાગી હતી. કારણ પૂછતાં કહ્યું કે તે ભાઈ સાથે સાયકલ લઇ ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં આંબલીના ઝાડ પાસે એક અજાણ્યા શખ્સે તેની સાયકલ ઉભી રખાવી રૂા. 10 આપી કેળા લઇ આવવાનું કહ્યું હતું. જેથી તેણે ના પાડી હતી અને સાયકલ લઇ આગળ જતાં તે શખ્સે પીછો કરી અચાનક તેને બથ ભરી લેતાં બૂમાબૂમ કરી રડવા લાગી હતી. તે સાથે જ તે શખ્સ ભાગી ગયો હતો. તે શખ્સ બે-ત્રણ દિવસ પહેલાં તેના નાસ્તાનાં ટેબલે એકલી હતી ત્યારે કેળા લેવા આવ્યો હતો.

પિડિતાની આપવિતી સાંભળી તેની માતા ગભરાઇ ગઇ હતી. તત્કાળ પતિને જાણ કર્યા બાદ મકાનમાલિકને પણ વાકેફ કર્યા હતાં. બાદમાં તેની મદદથી સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યો શખ્સ તેની પુત્રીને બથ ભરવાનો પ્રયાસ કરતો હોવાનું દેખાયું હતું. જેથી તે શખ્સની શોધખોળ શરૂ કરી હતી. આખરે તે શખ્સ તેના ઘર પાસેથી પસાર થતાં તેને પકડી લીધો હતો. ત્યારબાદ તે શખ્સ એટલે કે આરોપી અનવરઅલીને તેની પુત્રીએ પણ ઓળખી બતાવતાં તેને પકડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી પણ મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. હાલ સોની કામની મજૂરી કરે છે. સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. આમ છતાં પોતાની પુત્રીની ઉંમરની કિશોરી ઉપર નજર બગાડી હતી.

આ સમાચારને શેર કરો