કિશોર સગીરા સાથે કરવા જઈ રહ્યો હતો બદકામ અને અચાનક કુટુંબીજનો આવી જતા સગીરા બચી ગઈ…
રાજકોટ જિલ્લાના બામણબોર પાસે આવેલા એક ગામડા ગામમાં વિકૃતિની હદ વટાવતો કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યું છે. ગામમાં જ રહેતા કિશોર દ્વારા ગામની જ સગીર વયની 16 વર્ષીય યુવતી સાથે જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદ મુજબ રાજકોટ જિલ્લાના બામણબોર પાસે આવેલા એક ગામ ખાતે રવિવારના રોજ સવારના 11:30 વાગ્યાના અરસામાં ધોરણ 12માં અભ્યાસ કરતી અને 16 વર્ષીય સગીરા સાથે ગામના જ વ્યક્તિ દ્વારા સગીરાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી. તેમજ સગીરાને ભૂંડી ગાળો આપી તેનો હાથ પકડી બળજબરી કરવામાં આવી હતી. તો સાથે જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે સગીરાની 35 વર્ષીય માતા દ્વારા ગામના જ વ્યક્તિ વિરુદ્ધ બીએનએસની કલમ 74, 79, 329 (1), 352, 351 (3) તેમજ પોક્સો સહિતની કલમ અંતર્ગત એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, સંતાનમાં તેમને પાંચ દીકરી અને દીકરો છે. રવિવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં પોતે પોતાના પતિ તેમજ અન્ય સંતાનો સાથે વાડીએ ગયા હતા. ત્યારે ધોરણ 12 માં અભ્યાસ કરનારી 16 વર્ષની દીકરી ઘરે રોકાયેલી હતી. દરમિયાન 12 વાગ્યા આસપાસ અમારા કુટુંબીજનોએ મારા પતિને ફોન કરીને કહ્યું હતું કે, આપણા ગામમાં રહેતો સગીર યુવક તમારી દીકરી ઘરે એકલી હતી ત્યારે તેની છેડતી કરી છે. સમગ્ર મામલાને જાણ થતા અમે ઘરે પહોંચ્યા હતા.
દીકરીને પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, 11:30 આસપાસ હું ઘરમાં લેસન કરતી હતી ત્યારે આપણા ગામમાં રહેતો સગીર યુવક આપણા ઘરની પાછળની દીવાલ ખાતે આવેલા બારણા મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ ઘરમાં આવીને મારી પાસે બીભત્સ માગણી કરી હતી. જેથી મેં તેને ના પાડતા તે મને ગાળો આપવા લાગ્યો હતો. તેમજ અચાનક જ મારો હાથ પકડીને તેણે મને તેના તરફ ખેંચી મારી ઉપર નિર્લજ હુમલો કર્યો હતો. જેથી હું ગભરાઈ જતા રાડો પાડવા લાગી હતી. તેથી તેણે મને કહ્યું હતું કે જો તું અવાજ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ અમારા કુટુંબીજનો અમારા ઘરે પહોંચતા સગીર તેમને જોઈને પાછળના દરવાજેથી ભાગી ગયો હતો.