વાંકાનેર: ખોડિયાર જીનીંગ ફેકટરીનો ડ્રાઇવર 14 લાખ રોકડા લઈ ભાગી ગયો.
વાંકાનેર : જડેશ્વર રોડ ઉપર આવેલ ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી માલિકનો કાર ચાલક કારખાનામાં પડેલા રૂપિયા 14 લાખ રોકડા અને એક્સેસ લઈ રફુચક્કર થઇ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર જડેશ્વર રોડ ઉપર આવેલ ખોડીયાર જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરીના રાજકોટ રહેતા માલિક નિલેષભાઇ જયચંદ્રભાઇ મેઘાણીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ રાજકોટ ખાતે અક્ષરમાર્ગ ઉપર આવેલ ચીત્રકુટ ધામ સોસાયટીમાં રહે છે અને છેલ્લા બે માસથી રાજકોટથી ફેકટરીએ આવવા માટે કાર ડ્રાઇવર તરીકે રાજકોટ કણકોટ પાટીયા પાસે રૂડા-૩માં રહેતા મૂળ દીપગંગા એપાર્ટમેન્ટ ટીંબાવાડી જુનાગઢ રહેતા સત્યજીત દાનાભાઇ કરપડાને નોકરીએ રાખેલ હતો.
દરમિયાન ગત તા.31ના રોજ નિત્યક્રમ મુજબ પિતાપુત્ર વાંકાનેર જીનીંગ ફેકટરીએ ડ્રાઇવર સત્યજીત દાનાભાઇ કરપડા સાથે આવ્યા હતા અને બાદમાં નિલેષભાઈને કપાસની ગાડીનું પેમેન્ટ કરવાનું હોવાથી વાંકાનેર સ્ટેટ બેંકમાંથી રોકડા રૂપિયા 14 લાખ ઉપાડી કારખાનામાં ટેબલના ખાનામાં રાખ્યા હતા અને જીનીંગ ફેકટરીના માલિક નિલેશભાઈ અને તેમનો પુત્ર રિતેશ વાંકાનેર ખાતે જમવા જતા પાછળથી ફેકટરીએ હાજર કાર ડ્રાઇવર સત્યજીત દાનાભાઇ કરપડા રોકડ ભરેલો થેલો અને એક્સેસ લઈ નાસી ગયો હતો.
આ બનાવ અંગે વાંકાનેર પોલીસે જીનીંગ માલિક નિલેષભાઇ જયચંદ્રભાઇ મેઘાણીની ફરિયાદને આધારે કાર ડ્રાઇવર સત્યજીત દાનાભાઇ કરપડા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.